દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા શરદ પવારે બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ શરદ પવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પ્રસંગે સુપ્રિયા સુળે પણ તેમની સાથે રહ્યા હતા. હાથમાં કેટલાક કાગળો લઈને પહોંચેલા શરદ પવારે પીએમ મોદીને કેટલાક પત્રો પણ સોંપ્યા. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ? હજુ સુધી તેની વિગતો સામે આવી નથી, પરંતુ શરદ પવારની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતે રાજકારણ ગરમાવ્યું છે. એક દિવસ પહેલા શરદ પવાર જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા હતા. તેમણે અભિજીત દીપકે સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સંસદ ભવનમાં થઈ હતી.

ફોટામાં પીએમ મોદી કોઈ કાગળ વાંચતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન શરદ પવાર પીએમ મોદીને કંઈક કહી પણ રહ્યા છે. શરદ પવારની સાથે તેમના પુત્રી સુપ્રિયા સુળે પણ પીએમને મળવા પહોંચ્યા હતા. શરદ પવાર જ્યારે પીએમને મળવા પહોંચ્યા ત્યારે પીએમ પોતે તેમનો હાથ પકડીને અંદર લાવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી છે કે એનસીપી (શરદ પવાર જૂથ) ઘણા મહત્વપૂર્ણ બિલ પર એનડીએ (NDA)ને સમર્થન આપી શકે છે.
પવારની મુલાકાત બાદ વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી ચાર તસવીરો શેર કરવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું – "રાજ્યસભા સાંસદ શરદ પવાર અને લોકસભા સાંસદ સુપ્રિયા સુળે જીએ આજે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી." જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે NCP SP, NDA સાથે આવી શકે છે. આ બધાની વચ્ચે આ મુલાકાત ઘણા રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં સીમાંકન બિલ (પરિસીમન બિલ) અને CJP પ્રોટેસ્ટ પર પણ ચર્ચા થઈ છે. આ મુલાકાત એ નિવેદનો પછી થઈ છે જેમાં સુળેએ સીમાંકન બિલ પર ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને શરતી સમર્થન આપ્યું હતું. સુળેએ કહ્યું હતું કે જો સરકાર તમામ રાજ્યોમાં સમાન 50 ટકા સીટો વધારવાનો પ્રસ્તાવ મૂકે છે તો એનસીપી એસપી (NCP SP) તેનો ટેકો આપી શકે છે, પરંતુ આ બાબતે તેઓ ઈન્ડિયા એલાયન્સ (INDIA Alliance) ની અંદર પણ ચર્ચા કરશે.
સુપ્રિયાએ જાહેર કર્યું હતું નિવેદન
શરદ પવાર અને સુપ્રિયા સુળે 21 જુલાઈના રોજ CJPના વિરોધ પ્રદર્શનમાં પણ ગયા હતા. એટલું જ નહીં, પીએમ હાઉસ સામે ધરણા કરી રહેલા નેતાઓને દિલ્હી પોલીસ દ્વારા બળજબરીથી હટાવવા સામે વાંધો ઉઠાવતા સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા સાઈટ 'X' પર એક નિવેદન પણ જાહેર કર્યું હતું.
સુપ્રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "લોક કલ્યાણ માર્ગ પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, જ્યારે તેઓ લોકશાહી રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બર્બર હુમલા અંગે જવાબ માગી રહ્યા હતા. તેમને ધક્કો મારીને જમીન પર પાડી દેવામાં આવ્યા અને ઢસડીને લઇ જવામાં આવ્યા. પોલીસે તેમની સાથે સાંસદ પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવને કસ્ટડીમાં લેવા માટે બળપ્રયોગ કર્યો. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વિપક્ષના નેતા સાથે કરવામાં આવેલું આ વર્તન અલોકતાંત્રિક છે. આપણે દેશના બંધારણીય મૂલ્યો અને લોકશાહીને જાળવી રાખવા માટે સંઘર્ષ ચાલુ રાખીશું. અમે દમનની આ કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ."