Wed Jun 10 2026

Logo

સરકારી તપાસની રહસ્યમય હાસ્યકલા

2026-06-10 08:49:29
Author: સંજય છેલ
Article Image

શરદ જોશી સ્પીકિંગ - સંજય છેલ

એ તપાસ સમિતિવાળા લોકો એવાં તારણ પર પહોંચ્યા કે જ્યારે વિમાનને અકસ્માત થયો ત્યારે એ આકાશમાં ઊડી રહ્યું હતું એટલે હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો કે એવી ય શંકા કરી શકાય એ વિમાન જમીન પર જ ઊભું ઊભું તૂટી પડ્યું, પણ સદનસીબે કે એ લોકોને એવી શંકા નથી.

એમણે વિમાનના ટુકડાઓ બહાર કાઢીને જોયા અને દિવસોના મનોમંથન ને ચર્ચા બાદ, સૌ એક નિષ્કર્ષ પર પહોંચ્યા કે- ‘હં, વિમાન ચોક્કસ તૂટી પડ્યું છે!’ હવે એ બધા એ સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે સાલું, પ્લેન તૂટ્યું તો ક્યાં તૂટ્યું? આકાશમાં, દરિયાની જળ-સપાટી પર કે જમીન પર ઊતર્યા પછી? અને જ્યારે એ તૂટી રહ્યું હતું, ત્યારે વિમાનમાં તૂટવા સિવાય બીજું શું થઈ રહ્યું હતું? વિમાનની અંદર લોકો શું કરી રહ્યા હતા? પેસેંજરો શું ખાઇ-પી રહ્યા હતા? કે પછી સૂઇ રહ્યા હતા? વળી વિમાનનો પાઈલટ શું કરી રહ્યો હતો? પાઈલટ, વિમાન ઉડાવા સિવાય  બીજું શું કરી રહ્યો હતો? પાઈલટના મોંમાં ‘વિમાન તૂટ્યા પહેલાં શું શબ્દો હતા?’ અને એ ‘તૂટ્યા પછી’ કયા શબ્દો હતા? વળી વિમાન તૂટી રહ્યું હતું ત્યારે કેટલા વાગ્યા હતા?

જોકે સદનસીબે હજુ સુધી એ લોકોને સમુદ્રના તળિયેથી માંડ માંડ પેલા જે બે ‘બ્લેક બોક્સ’ મળી આવ્યા છે, એના પર શંકા નથી ગઈ. શક્ય છે કે એ બે ‘બ્લેક બોક્સ’ આ વિમાનના ન પણ હોય, બીજા કોઈ વિમાનના પણ હોય, અથવા એ ‘બ્લેક બોક્સ’ એ જ વિમાનના હોય પણ એમાં લાગેલી ટેપ બીજી હોય, પણ એવી બધી જટિલ વાતો પર એ લોકોએ શંકા ન કરી.

હવે ચલો, તૂટેલા વિમાનમાંની છેલ્લી ઘડીઓવાળી ટેપ પણ વાગી રહી હતી અને એ ધ્યાનથી લોકો સાંભળી પણ રહ્યા હતા, પણ તે શંકા કરી રહ્યા હતા કે એ ટેપમાં શું એ જ બોલવામાં આવ્યું હતું, જે એ લોકો સાંભળી રહ્યા હતા? કે પછી આ સિવાય બીજું કાંઈ તો બોલવામાં નથી આવ્યું ને? જે એ લોકો, એને સાંભળી શક્યા નથી.

પછી એમને થયું કે ‘આપણે જે ટેપ સાંભળી રહ્યા છીએ એનો બીજો કોઈ ગૂઢ અર્થ તો નથી ને? બીજો અર્થ જો હોય શકે, તો પછી ત્રીજો અર્થ શું હશે? કઈ રીત કે પ્રક્રિયા, કયા વ્યાકરણની કે શબ્દકોશની મદદ લઈને અર્થ કાઢવો જોઈએ?’

એ તૂટતાં વિમાનની વાતચીતનો અર્થ સમજાયા પછી એ લોકો અકસ્માત સ્થળ પર જશે. ત્યાં ઊભા રહીને તે બધા વિચાર કરશે કે જે દિવસે આ ઘટના બની તે દિવસે આવા અર્થવાળાં વાક્યો કે અવાજો ત્યાં શક્ય છે કે નથી?

કોઈ પણ ઘટના, દુર્ઘટના કે રહસ્યમય બાબતની તપાસ કરવી એ ખરેખર તો અપને આપમાં એક અદ્ભુત રહસ્યમય કળા છે. જો તમે એમ કહેશો કે- ‘અમે ફલાણી ઘટના અમારી આંખેથી જોઈ છે..’ તો એ લોકો પહેલાં તો તમારી આંખોની તપાસ શરૂ કરશે ને એ જાણવાનો પ્રયત્ન કરશે કે જેનાથી એ ઘટના જોવામાં આવી એ ખરેખર ‘આંખો’ જ હતી કે નહીં? એ લોકોએ ‘બ્લેક બોક્સ’ની ટેપ સાંભળી છે. હવે એ લોકો કાનની તપાસ કરશે.

જ્યારે ભોપાલમાં ઝેરી ગૅસ લીક થયો હતો ત્યારે બધા ભારતીય નિષ્ણાતો ત્યાં ભેગા થયા હતા- ઝેરી ગૅસકાંડ તપાસનું મહાન કામ કરવા માટે. બધી તૈયારી ને સરકારી વ્યવસ્થા મળ્યા પછી એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા છતાં એ લોકો, ક્યારેય એક પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી કે એ રાત્રે ગૅસ લીક થયો કેવી રીતે?

સ્ટોરના રજિસ્ટરથી લઈને ટેસ્ટિંગ લેબોરેટરી સુધીનું બધું જ ત્યાં સામે જ હતું, પણ એ લોકો કારણ જણાવી શક્યા નહીં. આજે વરસો થયા બાદ પણ એ જાંચ સમિતિવાળા નક્કી કરી શકતા નથી, ગૅસ કેમ લીક થયો? કે પછી થયો જ નથી? 

સરકારી તપાસ કળા આને જ કહેવાય. અકસ્માત થયો, પણ જે બનાવ બન્યો એ અકસ્માત હતો કે નહીં એ શોધવું જરૂરી છે. બાકી બધું જાય ચૂલામાં. પણ એ ચૂલો હશે કે નહીં એના વિશે પાછી તપાસ કમિટી બેસશે!