વારાણસી: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં ચતુરંગિણી સેના બનાવવાની જાહેરાત કરી છે. જે માટે શંકરાચાર્યએ 27 સભ્યની એક ચતુરંગિણી સભાનું ગઠન કર્યું છે, ચતુરંગિણી સેના આગળ જતાં ગૌરક્ષાના ઉદેશ્યથી વિસ્તારરીત કરવાની યોજના બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ પહલનો ઉદેશ્ય હિન્દુ સમાજમાં વ્યાપેલા ભયને દૂર કરવાના અને સત્યની સાથે ઊભા રહેવા માટેના સાહસ પેદા કારવાનો છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે ૨ લાખ ૧૮ હજાર સૈનિકો ધરાવતી ચતુરંગિણી સેનાને ગૌરક્ષાના ઉદ્દેશ્યથી વિસ્તારવાની યોજના છે. તેમણે દાવો કર્યો છે કે ૨૭ સભ્યોવાળી ચતુરંગિણી સભા આગામી ૧૦ મહિનામાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિયપણે કાર્ય કરતી જોવા મળશે અને લોકોમાં વિશ્વાસ તેમજ સુરક્ષાની ભાવના મજબૂત કરશે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે વર્તમાન સમયમાં હિન્દુ સમાજમાં અનેક લોકો ડરને કારણે સત્યનો સાથ આપી શકતા નથી અને મજબૂરીમાં ખોટાને સમર્થન આપવા લાગે છે. આવી સ્થિતિમાં ચતુરંગિણી સેનાનો મુખ્ય ઉદ્દેશ્ય નિર્બળોનું બળ બનવું અને સમાજમાં ન્યાય સ્થાપિત કરવાનો રહેશે. તેમણે સંગઠનની કાર્યપદ્ધતિને “ટોકો, રોકો અને ઠોકો”ના સિદ્ધાંત દ્વારા સ્પષ્ટ કરી હતી.
કેવી રીતે કામ કરશે ચતુરંગિણી સેના?
શંકરાચાર્યે ચતુરંગિણી સેનાના 'ટોકો, રોકો અને ઠોકો' સિદ્ધાંતને સમજાવતા જણાવ્યું કે, સૌથી પહેલા ખોટા કાર્યોને ચિહ્નિત કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો સુધારો ન થાય, તો તેનો વિરોધ કરીને તેને અટકાવવાનો (રોકવાનો) પ્રયત્ન કરાશે અને અંતિમ તબક્કામાં “ઠોકો” એટલે કે વૈધાનિક પ્રક્રિયા હેઠળ ફરિયાદ નોંધાવવી, પંચાયત કરવી અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનો ઉપયોગ કરવામાં આવશે.