નવી દિલ્હીઃ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય મુકુંદાનંદ ગિરી સામેના કાયદાકીય જંગમાં હવે નવો વળાંક આવ્યો છે. અલાહાબાદ હાઈ કોર્ટે તાજેતરમાં આપેલા આગોતરા જામીન સામે હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં ધા નાખવામાં આવી છે. આ કેસમાં ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ હાઈ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે, જેના કારણે શંકરાચાર્યની મુશ્કેલીઓ ફરી વધી શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 25 માર્ચ 2026ના રોજ અલાહાબાદ હાઈ કોર્ટે શંકરાચાર્ય અને તેમના શિષ્યને જાતીય સતામણી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસમાં મોટી રાહત આપી હતી. કોર્ટે 50000 રૂપિયાના વ્યક્તિગત બાહેંચરી પત્ર પર તેમની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટના આદેશ મુજબ, પોલીસ જ્યાં સુધી આ કેસમાં ચાર્જશીટ દાખલ ન કરે ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાશે નહીં.
જોકે, આ જામીન મળ્યાના ગણતરીના કલાકોમાં જ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
આ સમગ્ર વિવાદ પોક્સો અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર આરોપો સાથે જોડાયેલો છે. પોલીસ આ મામલે અત્યંત સક્રિયતાથી તપાસ કરી રહી છે. મળેલી જાણકારી મુજબ, કથિત પીડિતોનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેમના લેખિત તેમજ વિડીયો નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આ નિવેદનોમાં પીડિતોએ પોતાના આરોપોનું પુનરાવર્તન કર્યું છે. હવે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, ત્યારે પોલીસ તપાસના આ પુરાવાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
હાઈ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક સમયે તેમને એવું લાગતું હતું કે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને કોઈ પણ નિર્દોષ વ્યક્તિને ફસાવી શકાય છે, પરંતુ ન્યાયતંત્રએ સમયાંતરે પોતાની નિષ્પક્ષતા સાબિત કરી છે. તેમણે કાયદાની પ્રક્રિયાને એક જાળ ગણાવી હતી, જેમાંથી ન્યાયાધીશોએ તેમને બહાર કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો.
હવે જ્યારે ફરિયાદીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, ત્યારે કાયદાકીય નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં આ કેસ વધુ જટિલ બની શકે છે. સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટના જામીન યથાવત રાખે છે કે પછી તેના પર સ્ટે આપે છે, તેના પર શંકરાચાર્યનું ભવિષ્ય નિર્ભર રહેશે. આ હાઈ-પ્રોફાઈલ કેસને કારણે ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે.