અમદાવાદ: લગ્નવાંછુકો માટે શાદી ડોટ કોમ જાણીતું નામ છે. અત્યાર સુધી આ પ્લેટફોર્મ પરથી ઘણા લોકોને જીવનસાથી મળ્યા છે. આ દરમિયાન શાદી ડોટ કોમ પર ફ્રોડ થયો હોવાની ઘટના સામે આવી છે. મુંબઈની બેંક અધિકરી યુવતીને ફસાવી 1.40 કરોડ પડાવ્યા, રેપ પણ કર્યો હતો. ભોગ બનનાર બેંક અધિકારી યુવતીએ ગુજરાતના સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, યુવતીના માતા-પિતાએ શાદી ડોટ કોમ પર પ્રોફાઈલ અપલોડ કરી હતી. જેમાં નવેમ્બર 2024માં જય બ્રહ્મભટ્ટે પોતાની વકીલ તરીકે ખોટી ઓળખ આપીને પરિચય કેળવ્યો હતો. તેણે યુવતીની માતા સાથે વાત કરીને નંબર મેળવ્યો હતો. જે બાદ યુવતી સાથે વાતચીત કરી હતી અને વાત લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
બેંક અધિકારી યુવતીને આ રીતે ફસાવી જાળમાં
પોતાની માતાને ગિફ્ટ આપવા યુવતી પાસેથી રૂ.13,700 લીધા હતા. ત્યારબાદ EDએ તેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે, તેમજ લેપટોપ અને મોબાઈલ કબજે કર્યા છે, જેથી સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવા રૂ.46,598 લીધા હતા. બાદમાં યુવતીને અમદાવાદ મળવા બોલાવી હતી અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. તેના ક્રેડિટ કાર્ડમાંથી 2.99 લાખ રૂપિયા તેમજ 51.82 લાખ રૂપિયાની લોન લઈ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આમ જુદી-જુદી રીતે કુલ 83.41 લાખ રૂપિયા યુવતી પાસેથી લીધા હતા, જેમાંથી માત્ર 5.49 લાખ રૂપિયા પરત આપી 77.92 લાખની ઠગાઈ આચરી હતી.
યુવતી જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે જયરાજ ગઢવી નામના માણસે Shaadi.com દ્વારા તેનો સંપર્ક કર્યો ula. જયરાજે યુવતીને વિશ્વાસ અપાવ્યો કે તે જય બ્રહ્મભટ્ટને ઓળખે છે અને તેના પૈસા પાછા અપાવી દેશે. ત્યારબાદ, જયરાજે યુવતીને હોટેલમાં બોલાવી તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જયરાજે યુવતી પાસેથી 1.01 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને તેમાંથી માત્ર 37.40 લાખ રૂપિયા જ પાછા આપ્યા હતા. આમ, તેણે યુવતી સાથે 64 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જય બ્રહ્મભટ્ટે રૂ. 77.92 લાખ અને જયરાજ ગઢવીએ રૂ. 64 લાખ મળીને યુવતી પાસેથી કુલ 1.40 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
આરોપીઓએ કરી હતી જામીન અરજી
આ કેસમાં પકડાયેલા આણંદના જયરાજ ગઢવીએ જેલમાંથી બહાર આવવા નિયમિત જામીન અરજી કરી હતી. જ્યારે કેસના બીજા આરોપીઓ જય બ્રહ્મભટ્ટ, અવની બ્રહ્મભટ્ટ, મંથન બ્રહ્મભટ્ટ, વિવેક ગઢવી અને મોનિકા ઓઝાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માંગ્યા હતા.
કોર્ટે શું કહ્યું
યુવતીના વકીલે આ જામીનનો વિરોધ કર્યો હતો. મુંબઈની કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે બધા આરોપીઓએ ભેગા મળીને યુવતી સાથે મોટી આર્થિક છેતરપિંડી કરી છે.યુવતીના પડાવી લીધેલા પૈસા હજુ પાછા મળવાના બાકી છે.કેસની તપાસ હજુ શરૂઆતના સ્ટેજ પર છે, તેથી આરોપીઓને છોડી શકાય નહીં.