Thu Jun 18 2026

Logo

સેઝ એક્ટ અન્ય કાયદાઓ પર સર્વોપરી: કંડલાના પાન મસાલા નિકાસકારને સીજીએસટી નોટિસ સામે હાઈ કોર્ટનું રક્ષણ

2026-03-06 13:51:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ગુજરાત હાઈ કોર્ટે કચ્છના કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થિત એક જાણીતી પાન મસાલા ઉત્પાદક કંપનીને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ જીએસટી સત્તામંડળ દ્વારા કંપનીને 'હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી' સેસ એક્ટ હેઠળ નોંધણી કરાવવા અને ટેક્સ ભરવા માટે આપવામાં આવેલી નોટિસ પર હાઇકોર્ટે વચગાળાનો સ્ટે મૂક્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કંડલા સેઝમાં ગત વર્ષ ૨૦૧૫-૧૬થી કાર્યરત આર.આર એક્સપોર્ટ્સ નામની કંપની તમાકુ, ગુટખા અને પાન મસાલાનું માત્ર નિકાસ માટે ઉત્પાદન કરે છે. તાજેતરમાં, કેન્દ્રીય જીએસટી અધિક્ષક દ્વારા આ કંપનીને વિવિધ નોટિસો ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં કંપનીને તેના મશીનરીની વિગતો આપવા અને હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ એક્ટ હેઠળ નોંધણી કરાવવા આદેશ આપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, આ સેસ જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી તમાકુ અને પાન મસાલા બનાવતી મશીનરી પર લાદવામાં આવે છે. કંપનીના એડવોકેટ શાર્વિલ મજમુદારે દલીલ કરી હતી કે સેઝ એક્ટ, ૨૦૦૫ની કલમ ૨૬ મુજબ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત એકમોને કસ્ટમ્સ એક્ટ અને અન્ય ટેક્સની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. સેઝ એક્ટ અન્ય તમામ કાયદાઓ પર સર્વોપરી અસર ધરાવે છે, તેથી સેન્ટ્રલ જીએસટીના સત્તાધિકારીઓ આ સેસ લાદી શકે નહીં. 

કેન્દ્ર સરકારના કાઉન્સલે હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ એક્ટની કલમ ૩નો હવાલો આપતા જણાવ્યું હતું કે, આ કાયદા હેઠળ પાન મસાલા ઉત્પાદકો ટેક્સ ભરવા માટે પાત્ર છે. જસ્ટિસ એ. એસ. સુપૈયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે પ્રાથમિક સુનાવણી બાદ જણાવ્યું હતું કે, અરજદારની દલીલોમાં તથ્ય જણાય છે. 

કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 2 એપ્રિલ પર નિર્ધારિત કરી છે.  ત્યાં સુધી નામદાર અદાલતે નોટિસના અમલીકરણ પર મનાઈહુકમ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)