ઝડપભેર ઊથલપાથલ મચી રહેલા આજના દૈનિક જીવનમાં મનની શાતા-શાંતિ માટે વનવાસ લેવાની જરૂર નથી. આપણા ઋષિમુનિઓથી લઈને આજના યુગના આરોગ્યશાસ્ત્રી તથા મનોવિજ્ઞાનીઓ અહીં દર્શાવે છે, જીવન સરળ બનાવવાની જડીબુટી અજમાવી જુવો આને !...
- ભરત ઘેલાણી
પ્રાણાયામ, મલ્ટી ટાસ્કિંગ કામ ન કરો, દિવસની શરૂઆતમાં કામનું લિસ્ટ બનાવો...
બૌદ્ધ ભિક્ષુનું પુસ્તક
દરેક કાર્યનો એક નિયત સમય હોય છે. એ ક્યાં તો કુદરત નક્કી કરી આપે અથવા તો મનથી આપણી અનુકૂળતાએ એને ગોઠવીએ..
જો કે, પ્રાણઘાતક કોરોના વાયરસ જેવી કટોકટી સર્જાય ત્યારે માનવીની માનસિક-શારીરિક અને આર્થિક સહિત બધી જ યંત્રણા ખોરંભે ચઢી જાય. કોરાનાના કપરા કાળ દરમિયાન જગતના લગભગ પ્રત્યેક માનવીના વિચલિત મનને લીધે એની માનસિક સજ્જતાને વધુ નુકસાન થયું છે. કોરોના આ કોવિડની બે-સવા બે વર્ષની યાતના પછી આપણે બધા ધીરે ધીરે એમાંથી બહાર આવી ગયા અને જિંદગીની બેઢંગી રફતારમાં જોડાઈ ગયા, પરંતુ અગાઉની આપણી મૂળભૂત કુદરતી શાંતિ પાછી ફરી નથી. એ માટે આજે પણ બધા અમુક અંશે ઝઝૂમી રહ્યા છે.
બહુ ઝડપથી ભાગી રહેલી-પળે પળે પલટાઈ રહેલી જિંદગીમાં મનની પેલી આપણી ચિરપરિચિત નિરાંતને પુન: કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. છે એના કોઈ સચોટ ઉપાય?
હા, છે ચપટી વગાડતા જ હાથવગા થાય એવા નહીં, પણ ધીરજ સાથે એ દિશામાં પ્રયાસ કરવાથી એનાં સચોટ પરિણામ જરૂર મળે.
મનના આવાં સુખચેન માટે યોગાચાર્ય-આરોગ્યશાસ્ત્રના નિષ્ણાતોએ એનાં શ્રેણીબદ્ધ ઉપાય સુચવ્યા છે. તનને તંદુરસ્ત કરવા-રાખવા શરૂઆત તો મનથી જ કરવી પડે અને જ્યારે મનની વાત આવે ત્યારે એને શાંત કરવાથી રાખવા સુધીમાં શ્વાસની ક્રિયા-પ્રક્રિયા ઝીણવટથી જાણવી-શીખવી પડે. આમ જુઓ તો શ્વાસ લઈને હ્રદયને ધબકતું રાખવાની ક્રિયા કોઈને શીખવવી નથી પડતી. એ તો માના ગર્ભાશયમાં પ્રાણ પૂરાય ત્યારથી કુદરતે આપેલી દેન છે, પણ શ્વાસ આપોઆપ લેવાતા રહે પૂરતું નથી. આપણા ઋષિમુનિઓની શીખ મુજબ આપણે ખરી રીતે શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા અમલમાં મૂકીએ તો અનેક રોગ-બીમારીને ટાળીને શાંતિમય લાંબું આયુષ્ય ભોગવી શકીએ..
આજની જિંદગી-સાંસારિક-વ્યવસાયિક- આધિ-વ્યાધિ ઉપરાંત પ્રાકૃતિક નિયમોની અવહેલના કરીને પેદા કરેલા પ્રદૂષણના લીધે અનેક મુસીબતો જાણે-અજાણે આપણે વહોરી લીધી છે. એ બધાં બંધનમાંથી મુક્તિ મેળવવા જરૂરી છે અમુક ચોક્કસ નિયમોનું પાલન..
જાણીતા આરોગ્ય નિષ્ણાતો અને બ્રીધિંગ એકસપર્ટસ એમનાં વિવિધ તલસ્પર્શી સંશોધન પછી સાતેક જેટલાં નિયમ તૈયાર કર્યા છે, જેને અનુસરવા સરળ છે. એમના કહેવા અનુસાર આપણે રોજ સવારે એને અનુસરીએ તો આપણી કાર્યક્ષમતા વધવાની સાથોસાથ તબિયત પણ જરુર ઝિંગાલાલા થઈ જશે.
આ છે એ તબક્કાવાર નિયમો
આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં પરોઢનું - ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ છે. આ બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાંનો દોઢ કલાક... આપણા વડીલો કહે છે તેમ ‘રાતે વહેલા જે સુઈ વહેલા ઊઠે વીર, બળ-બુદ્ધિ ને ધન વધે, વળી સુખમાં રહે શરીર...’
આ સમય આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. આ વેળા વાતાવરણમાં પ્રદૂષણ ઓછું ને પ્રાણવાયુનું પ્રમાણ વધુ હોય છે. આવે વખતે સકારાત્મક વિચાર વધુ આવે છે, જે આપણી સર્જનાત્મક કાર્ય સક્ષમતા વધારે છે. ઊઠીને તરત જ તન - શરીરને ‘ભીનું’ કરવું જોઈએ એટલે કે પાણી પીવું જરૂરી છે. પાણી જો સહેજ ઊનું સતપ હોય તો વધુ સારું. ખાલી પેટે પીધેલું આવું પાણી તનમાં ચેતનાનો સંચાર કરે છે
આ સમયે 10-15 મિનિટ મેડિટેશન કરવું, ધ્યાન ધરવું ઉપકારક નીવડે છે. આગલી રાતના આપણા વેરવિખેર વિચારોને પ્રાત:કાળમાં એ મનના એક ખૂણે કેન્દ્રિત કરે છે-ચોક્કસ દિશા તરફ વાળી તન-મનને સાંકળી લઈ એ સકારાત્મક ઊર્જા પેદા કરે છે.
આ ધ્યાન ધરવા દરમિયાન આપણા શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા-પ્રક્રિયા એક પ્રકારનું સમતુલન રચે છે, જે શરીર માટે ઉપકારક છે. કહે છે કે સૈકાઓ પૂર્વે આપણા ઋષિમુનિઓ કે વૈદિક વિદ્યાના જાણકારો એમના શિષ્યોને પ્રાણાયામ અને ધ્યાન ધરવાની 112થી વધુ રીત -પદ્ધતિ શીખવતા!
કેટલાક નિષ્ણાત શ્વસન ક્રિયા માટે 4-7-8ની ફોર્મુલા અજમાવવા કહે છે. હોઠ બીડીને 1-2-3-4નો આંક ગણીને શ્વાસ અંદર લો પછી સાતના આંક સુધી શ્વાસ રોકી રાખો ને ત્યારબાદ વારાફરતી આઠના આંક સાથે શ્વાસ છોડા- બહાર કાઢો શ્વાસ લેવા- છોડવાની આવી 8 પ્રકારની ‘કસરત’ છે, પણ આ 4-7-8નો વ્યાયામ સરળ અને સચોટ ગણાય છે.
આવી એકસરસાઈઝ પછી હળવી શારીરિક કસરત પણ કરી શકાય. મન-તનનો આવું સંયોજન ફાયદાકારક નીવડે છે.
જે ભૂલ બધા કરે છે એ તમે નહીં કરતાંઊઠતાંની સાથે જ મોબાઈલ ઊંચકીને વોટ્સ ઍપ મેસેજ કે ઈ-મેલ જોવાં બેસી ન જતાં. સવાર સવારમાં આ વૃતિ-પ્રવૃતિ તમારા વિચારોને અસ્ત-વ્યસત કરી નાખશે. દિવસની તમારી કાર્યક્ષમતામાં એ છીડું પાડશે. આવી આ ‘હની ટ્રેપ’માં સપડાતાં બચજો માની લીધું, દિવસ દરમિયાન તમે એક સાથે એકથી વધુ કામ કરી શકો છો. માની લીધું એમાં તમને બીજા કરતાં વધુ ફાવટ છે, પણ મનોચિકિત્સકોની વણમાગી સલાહ છે કે ‘મલ્ટિટાસ્કર મત બનો.’
ત્રણ કામ ઉપરછલ્લાં કરવાં પછી મનોમન અફસોસ કરવો એનાં કરતાં એક કામ વધુ સારી રીતે સંપન્ન થાય એનાથી મનને વિશેષ સંતોષ પહોંચે છે. બાવાના બેય બગડે એનાં કરતાં બાવાનું એક કામ થાય એ વધુ સારું.
દિવસ દરમિયાન યાદ આવે એ રીતે આડેધડ કામ કરવાને બદલે આગલી રાતે કામની અગત્યતા મુજબ એક આગોતરી કાર્યસૂચિ બનાવી લો પછી એને જ તબક્કાવાર અનુસરો પછી જો જો, બધાં કામ સારી રીતે પતી પણ જશે અને વધારાનો સમય પણ ફાજલ મળશે.
‘ઑફિસે જઈને સૌથી પહેલાં મર્કટને પકડો..!’ અર્થાત છૂટ્ટો મૂકેલો વાંદરો ઊછળકૂદ વધુ કરે. એને પકડવો મુશ્કેલ છે માટે એને પહેલાં પકડી લો બીજા શબ્દોમાં કહીએ તો દિવસનું સૌથી અઘરું લાગતું કામ પહેલાં હાથમાં લો. એ ‘પકડાઈ’ જશે તો બીજાં કામમાં ટેન્શન ઓછું ને એ બધાં વધુ સરળતાથી પાર ઊતરશે.
બાહ્ય અને આંતરિક ઊથલપાથલ વખતે મનને કઈ રીતે શાંત અને સમતુલ રાખી કાર્યક્ષમતા કઈ રીતે વધારવી એનાં આપણે જે દર્શાવ્યાં એવાં જ કેટલાંક ઉપાય-નિયમો સુનમ્યા માસુનો નામના એક જાણીતા બૌદ્ધ ભિક્ષુએ એમનાં ‘ડોન્ટ વરી’ પુસ્તક વર્ણવ્યા છે. એ પણ કહે છે કે મન- શાંતિની શરૂઆત વહેલા જાગીને નાની નાની ટેવ જીવનમાં અપનાવી લેવાથી થાય છે. અશાંતિ નામના શત્રુનો વધ કરવો હોય તો પહેલો ઘા રાણાનો!