Mon Oct 05 2026

Logo

ક્રૂડતેલના ભાવમાં વધારો અને ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારાની ભીતિ હેઠળ સેન્સેક્સ વધુ 382 પૉઈન્ટ તૂટ્યો

2026-09-07 19:44:30
Author: Ramesh Gohil
ક્રૂડતેલના ભાવમાં વધારો અને ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારાની ભીતિ હેઠળ સેન્સેક્સ વધુ 382 પૉઈન્ટ તૂટ્યો

સ્થાનિક અને વિદેશી ફંડોની કુલ રૂ. 846.89 કરોડની લેવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
ગત શુક્રવારે અમેરિકાનાં જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખાતે અમેરિકા તથા ઈરાનના હુમલાઓને કારણે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ એક ટકાના ઉછાળા સાથે બેરલદીઠ 97.41 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને આઈટી તથા ઑઈલ તથા ગૅસ ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 382.62 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 118.55 પૉઈન્ટનો ઘટાડો આગળ ધપ્યો હતો. 

દરમિયાન ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 3111.94 કરોડની ચોખ્ખી વેચવાલી રહ્યા બાદ આજે તેઓની રૂ. 9581.19 કરોડની ખરીદી સામે રૂ. 9301.06 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 280.13 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. તેમ જ આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 13,154.13 કરોડની ખરીદી સામે રૂ. 12,587.37 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 566.76 કરોડની ખરીદી રહી હતી. આમ આજે સ્થાનિક તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની કુલ રૂ. 846.89 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 76,515.43ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 76,446.05ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 75,970.52 અને ઉપરમાં 76,477.19ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 0.5 ટકા અથવા તો 382.62 પૉઈન્ટના ઘટાડા સાથે 76,132.81ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 23,897.70ના બંધ સામે 23,883.15ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 23,737.90 અને ઉપરમાં 23,890ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 0.50 ટકા અથવા તો 118.55 પૉઈન્ટના ઘટાડા સાથે 23,779.15ની સપાટીએ બંધ રહ્યો હતો. 

પ્રવર્તમાન ભૂરાજકીય તણાવો અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે સપ્તાહના આરંભે ભારતીય ઈક્વિટી માર્કેટમાં મુખ્યત્વે વેચવાલીનું દબાણ વધુ રહ્યું હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું. તે જ પ્રમાણે ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરિચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતા અને ક્રૂડતેલના ભાવવધારાને ધ્યાનમાં લેતા આજે રોકાણકારોનું માનસ ખરડાતા સમગ્ર સત્ર દરમિયાન વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. 

એકંદરે આજે એશિયન બજારોમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવા છતાં સ્થાનિક બજારમાં ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધવાથી ક્રૂડતેલના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવતાં બજાર દબાણ હેઠળ રહ્યું હતું. તેમ જ રોકાણકારોએ સાવચેતીનું વલણ અખત્યાર કરતાં વોલાટિલિટી ઈન્ડેક્સ પણ 5.62 ટકા જેટલો વધ્યો હોવાથી આગામી દિવસોમાં પણ ચંચળતાનું વલણ જોવા મળે તેવી શક્યતા રિસર્ચ એનાલિસ્ટ કંપની એચએસટી વેલ્થના સ્થાપક ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હરિસેલ્વન રાધાકૃષ્નને જણાવ્યું હતું. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર સાત શૅરના ભાવ સાધારણ વધારા સાથે બંધ રહ્યા હતા અને 23 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 3.81 ટકાનો ઘટાડો ઈન્ફોસિસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટેક મહિન્દ્રામાં 1.96 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.85 ટકાનો, બજાજ ફિનસર્વમાં 1.57 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.41 ટકાનો અને ટીસીએસમાં 1.28 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે તેની સામે લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 0.61 ટકાનો, ભારતી એરટેલમાં 0.60 ટકાનો, મારુતિ સુઝુકીમાં 0.47 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 0.36 ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 0.35 ટકાનો, ઈન્ડિગોમાં 0.10 ટકાનો અને સન ફાર્મામાં 0.04 ટકાનો સાધારણ સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સ 0.84 ટકા અને સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સ 0.15 ટકા ઘટીને બંધ રહ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 2.17 ટકાનો કડાકો બોલાયો હતો, જ્યારે આઈટી ઈન્ડેક્સમાં 2.11 ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.45 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 1.36 ટકાનો, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 1.09 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 0.83 ટકાનો અને એફએમસીજી ઈન્ડેક્સમાં 0.65 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સામે માત્ર હૅલ્થકૅર, ઈન્ડસ્ટ્રિયલ અને ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. 

આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 4.61 ટકાનો અને જાપાનના નિક્કી 225માં 2.12 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો અને હૉંગકૉંગના હૅંગસૅંગ ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, યુરોપનાં બજારોમાં આજે મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હતું.