Fri Apr 17 2026

Logo

શેરબજારમાં ફરી બ્લેક ફ્રાઇ ડે: ૧૦૦૦ પોઇન્ટનો જોરદાર કડાકો, રૂ. પાંચ લાખ કરોડનું ધોવાણ...

2026-02-27 16:26:00
Author: Niilesh Vaghela
Article Image

AI Generated Images


નિલેશ વાઘેલા

મુંબઇ: એફઆઇઆઇની લેવાલી આ મહિને વધી હોવાથી શેરબજારની ગાડી માંડ પાટે ચઢી રહી હતી ત્યાં શુક્રવારે બજારે ફરી જોરદાર કડાકો બોલાવીને રોકાણકારોને હતાશ કરી નાંખ્યા છે. શેરબજારમાં ફરી બ્લેક ફ્રાઇ ડે સર્જાયો હતો. સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટના જોરદાર કડાકા સાથે બીએસઇના માર્કેટ કેપિટલાઇઝેશનમાં પ્રારંભિક અંદાજ અનુસાર રૂ. પાંચ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું.

સત્રને અંતે સેન્સેક્સ ૯૬૧.૪૨ પોઇન્ટ અથવા તો ૧.૧૬ ટકાના કડાકા સાથે ૮૧,૨૮૭.૧૯ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૩૧૭.૯૦ પોઇન્ટ અથવા તો ૧.૨૫ ટકાના કડાકા સાથે ૨૫,૧૭૮.૬૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. આ વેચવાલીથી પ્રારંભિક અંદાજ અનુસાર રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૫ લાખ કરોડથી વધુનો ઘટાડો થયો, જેના કારણે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. ૪૬૩ લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું.

શેરબજારમાં ખાસ કરીને છેલ્લા અડધા કલાકમાં ભારે અફડાતફડી મચી હતી. સેન્સેક્સ ૧,૦૫૦ પોઈન્ટથી વધુ ગગડ્યો હતો અને નિફ્ટી ૨૫,૧૫૦ પોઇન્ટથી નીચે સરકી ગયો હતો. આ પછી સેન્સેક્સ ઝડપી લેવેચના સોદા વચ્ચે સેન્સેક્સ ૯૨૫ પોઇન્ટથી ૧૦૨૫ સુધીની રેન્જમાં સતત અથડાતો રહ્યો હતો.ભારતીય શેરબજારોમાં સવારના સત્રમાં જ તીવ્ર ઘટાડો જોવા મળ્યો, સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટ નીચી ગબડ્યો હતો, જયારે નિફ્ટી ૨૫,૩૦૦ થી નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. અનેક પરિબળોને કારણે એફએમસીજી, ઓટો, રિયલ્ટી અને ફાર્મા સેકટરની આગેવાનીમાં વેચવાલીનું તીવ્ર દબાણ આવવાથી બજારનું માનસ ખરડાયું હતું.

સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ વ્યાપક વેચવાલીને કારણે ધોવાણ જોવા મળ્યું હતું. સેકટરલ ધોરણે બેંક, ફાઇનાન્શિઅલ ઓટો, મેટલ્સ, રિયલ્ટી અને કેમિકલ શેરોમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી.વિવિધ કારણોસર બજારમાં સાવચેતીનું માનસ સર્જાયું હોવાથી રોકાણકારો અને ફંડ મેનેજરોએ પસંદગીના શેરોમાં લેવાલી મર્યાગિત કરી હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું. શેરબજારની પીછેહઠના મૂળ કારણોમાં બજારમાં મુખ્ય ચાર પરિબળો ચર્ચાઇ રહ્યા હતા, જેમાં એફઆઈઆઈની ફરી શરૂ થયેલી વેચવાલી, ગ્લોબલ માર્કેટના નબળા સંકેત અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા ઉપરાંત ખાસ કરીને અમેરિકા અને ઇરાન વચ્ચેનો ટેન્શનનો સમાવેશ હતો.

નોંધવું રહ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો શરૂ થઇ છે પરંતુ બંને પક્ષી હજુ સુધી કોઈ કરાર પર પહોંચ્યા નથી અને એફઆઇઆઇએ ફેબ્રુઆરીમાં બે અબજ ડોલરની નેટ બાઇંગ નોંધાવી છે, પરંતુ અમેરિકાની બદલાતી નીતિ વચ્ચે વિદેશી ફંડોે ફરીથી વેચવાલી શરૂ કરી છે.