Tue Oct 06 2026

Logo

સુરતમાં સનસનાટી: પોલીસ સ્ટેશન નજીક કારમાંથી યુવકની કોહવાયેલી લાશ મળતા ચકચાર!

2026-06-12 10:43:00
Author: Mayur Patel
સુરતમાં સનસનાટી: પોલીસ સ્ટેશન નજીક કારમાંથી યુવકની કોહવાયેલી લાશ મળતા ચકચાર!

સુરતઃ શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનની નજીક કારમાંથી કોહવાયેલી હાલતમાં યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. યુવક 5 દિવસથી ગુમ હતો. કારમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિકોએ જઈને તપાસ કરતાં લાશ હોવાનું સામે આવ્યું હતું.

શું છે મામલો

ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલી એક બિલ્ડિંગ બહાર પાર્ક કરેલી કારમાંથી મોડી રાત્રે અસહ્ય દુર્ગંધ આવતી હતી. જેથી સ્થાનિકોએ નજીક જઈને જોતા તેમાં યુવકની લાશ  પડી હતી. જે બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પહોંચીને લાશ બહાર કાઢી હતી. લાશ કોહવાઈ ગયેલી હોવાથી ચારથી પાંચ દિવસ પહેલા મોત થયું હોવાનો અનુમાન છે.

મૃતકની ઓળખ ઉત્રાણમાં રહેતા અર્જુનભાઈ ચૌધરી (ઉ.વ.28) તરીકે થઈ હતી. તે 6 જૂનથી લાપતા થયો હતો અને પરિવાર તેની શોધખોળ કરતો હતો. પાંચ દિવસ રહેલા ગુમ થયેલા પુત્રની લાશ આ રીતે મળતાં પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. 

ઉત્રાણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે  ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કારમાંથી મળેલી લાશ પાછળ હત્યા, આત્મહત્યા કે અન્ય શું કારણ છે તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પણ હત્યા થઈ છે કે આત્મહત્યા તે ખબર પડી શકે છે.