ભુજઃ કંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેટી પર જહાજમાંથી માલ સામાન ખાલી કરતી વખતે ક્રેનની ઝોલીનો રસ્સો અચાનક તૂટી પડતાં અંદર રાખેલી બોરીઓનો મોટો જથ્થો એક શ્રમિક ઉપર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં શ્રમિક બોરીઓ નીચે દટાઈ જતાં તેને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે બંદર પર કામ કરતા અન્ય મજૂરો અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, આ અકસ્માત કંડલા બંદરની કાર્ગો જેટી નંબર-૩ પર ગત બપોરના અરસામાં બન્યો હતો. જહાજમાં ક્રેન મારફતે કાર્ગો નેટ દ્વારા સિમેન્ટ કે અનાજની બેગ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે ભોગ બનનાર શ્રમિક જહાજની અંદર જ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ક્ષમતા કરતાં વધુ વજન અથવા નબળા દોરડાના કારણે ક્રેનની ઝોલીનો રસ્સો તૂટી ગયો હતો, જેથી સેંકડો કિલો વજનની તોતિંગ બોરીઓ સીધી શ્રમિક પર ખાબકી હતી.
ઘટના બનતા જ આસપાસના અન્ય શ્રમિકોએ તાત્કાલિક એકત્ર થઈને બોરીઓ હટાવી દટાયેલા સાથી કર્મચારીને બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સદનસીબે ઝોલીની ઊંચાઈ ઓછી હતી, જો આ ઝોલી વધુ ઊંચાઈ પરથી કે મુખ્ય જેટી પર તૂટી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.
બીજી તરફ, આ અકસ્માતને પગલે કંડલા બંદરના શ્રમિકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કામદારોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, હજુ પણ બંદર પર જર્જરીત ઝોલીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને નિયમોને નેવે મૂકીને ક્રેનની ક્ષમતા કરતાં વધુ માલ ભરવામાં આવે છે. અગાઉ પણ કંડલા પોર્ટ પર આ પ્રકારના અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, છતાં જવાબદારો સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. શ્રમિકોએ મામલે જવાબદાર સેફ્ટી ઓફિસર અને એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરી કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરી હતી.
(ઉત્સવ વૈદ્ય)