Fri Sep 04 2026

Logo

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરની ધમકી બાદ એલઓસી પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

2026-07-08 16:18:00
Author: Chandrakant Kanoja
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરની ધમકી બાદ એલઓસી પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. જેના પગલે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરના નિવેદન બાદ ભારતની સુરક્ષા એજન્સીઓએ  જમ્મુ કાશ્મીર નજીક એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે એન્ટિ ટનલ અભિયાન તેજ કર્યું છે. તેમજ સાંબા અને કઠુઆ સેક્ટરમાં પેટ્રોલિંગ અને  ટેકનિકલ સર્વેલન્સ વધાર્યું છે. 

કોર કમાન્ડર બેઠકમાં  સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો હતો

આ અંગે મળતી માહિતી મુજબ પીઓકેમાં વધતાં લોકજુવાળ અને તણાવ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરે ભારતને ધમકી આપી છે. તેમણે રાવલપિંડીના જનરલ મુખ્યાલયમાં આયોજિત કોર કમાન્ડરની બેઠકમાં  સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે પાકિસ્તાન આ મુદ્દે શકય તેટલા પ્રયાસ કરશે. 

પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ વધારી શકે છે 

આ અંગે એજન્સીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પીઓકેની આંતરિક પરિસ્થિતિ પરથી ધ્યાન હટાવવા અને સરહદ પર તણાવ વધારવા માટે સરહદી વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવાનો પ્રયાસ કરી શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને  જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.