Wed Sep 16 2026

Logo

લગ્નનો ફોટો કે સર્વિસ બુકમાં નામ ન હોય તો પણ બીજી પત્ની પેન્શનની હકદાર; ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

2026-02-24 11:05:00
Author: Devayat Khatana
લગ્નનો ફોટો કે સર્વિસ બુકમાં નામ ન હોય તો પણ બીજી પત્ની પેન્શનની હકદાર; ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમદાવાદ: પેન્શન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો.  ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા AMC ને આદેશ આપ્યો છે કે તેઓ મૃતક કર્મચારીની બીજી પત્નીને ફેમિલી પેન્શન ચૂકવે. અદાલતે મ્યુનિસિપલ કોર્પોરેશનની એ દલીલને ફગાવી દીધી હતી જેમાં કોર્પોરેશન લગ્નના પુરાવા તરીકે માત્ર 'રજિસ્ટર્ડ નિકાહનામા'નો આગ્રહ રાખતું હતું.

કેસની વિગત મુજબ, AMC ના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા મોહમ્મદ હનીફ શેખના પ્રથમ પત્ની રેહાનાબાનુનું ૨૦૦૭માં અવસાન થયું હતું. ત્યારબાદ ડિસેમ્બર ૨૦૦૭માં તેમણે ઈસ્લામિક કાયદા મુજબ ફરઝાનાબાનુ સાથે બીજા લગ્ન કર્યા હતા. ૨૦૧૧માં હનીફ શેખનું અવસાન થતા તેમની બીજી પત્નીએ પેન્શન માટે દાવો કર્યો હતો. જોકે, AMC એ પુરાવાઓના અભાવે આ દાવો નકારતા મામલો ૨૦૧૬માં હાઈકોર્ટ પહોંચ્યો હતો.

AMC એ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે નિકાહનામું રજિસ્ટર્ડ નથી, દંપતીનો કોઈ સંયુક્ત ફોટો નથી, અને કર્મચારીએ સર્વિસ બુકમાં બીજી પત્નીનું નામ નોંધાવ્યું નહોતું. બીજી તરફ, ફરઝાનાબાનુએ પુરાવા તરીકે કાઝીનું સોગંદનામું, ભરણપોષણનો કેસ અને આઈપીસી કલમ ૪૯૮એ હેઠળ નોંધાયેલી ફરિયાદના દસ્તાવેજો રજૂ કર્યા હતા. પ્રથમ પત્નીના સંતાનોએ પણ આ પેન્શનનો વિરોધ કર્યો હતો, જોકે અગાઉ તેઓએ સેટલમેન્ટ પેટે ફરઝાનાબાનુને ૨ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

જસ્ટિસ એમ. જે. શેલતે આ મામલે ચુકાદો આપતા જણાવ્યું કે, ફોટોગ્રાફ કે સર્વિસ રેકોર્ડમાં નામ ન હોવા જેવા ટેકનિકલ કારણોસર પેન્શન રોકવું અયોગ્ય છે. કોર્ટે ભરણપોષણના કેસ અને ફોજદારી ફરિયાદને લગ્નનો સચોટ પુરાવો માનતા AMC ને આદેશ આપ્યો છે કે ફરઝાનાબાનુને કાયદેસરની પત્ની ગણી તેમના પેન્શનના પેપર્સ તૈયાર કરવામાં આવે. અદાલતે પેન્શનની તમામ બાકી રકમ આગામી ૧૫ મે સુધીમાં ચૂકવી દેવા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદ કરી હતી.