Sun Oct 04 2026

Logo

દાદરથી બીજી ‘મોદી એક્સપ્રેસ’ રવાનાઃ નિતેશ રાણેએ કહ્યું 14 વર્ષથી કોંકણવાસીઓ ખાસ વ્યવસ્થા

2026-09-13 17:52:19
Author: Mumbai Samachar Team
દાદરથી બીજી ‘મોદી એક્સપ્રેસ’ રવાનાઃ નિતેશ રાણેએ કહ્યું 14 વર્ષથી કોંકણવાસીઓ ખાસ વ્યવસ્થા

 મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન મુંબઈથી કોંકણ જતા પ્રવાસીઓની સુવિધા માટે નિતેશ રાણેએ બીજી ‘મોદી એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવી હતી. આજે દાદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક 14 પરથી આ વિશેષ ટ્રેન કોંકણ તરફ રવાના કરવામાં આવી હતી.

કોંકણમાં ગણેશોત્સવની ઉજવણી માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મુંબઈથી પોતાના ગામડે જતા હોય છે. તહેવાર દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ વિશેષ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, જેથી ભક્તો અને પરિવારોને કોંકણ પહોંચવામાં સરળતા રહે.

આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા નિતેશ રાણેએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 14 વર્ષથી કોંકણના લોકોની સેવા કરી રહ્યા છીએ. અગાઉ અમે 100 બસોની વ્યવસ્થા કરી હતી અને હવે ‘મોદી એક્સપ્રેસ’ના નામે ટ્રેન સેવા આપી રહ્યા છીએ. આ અમારી બીજી ટ્રેન છે, જ્યારે પ્રથમ ટ્રેન 11 સપ્ટેમ્બરે રવાના થઈ હતી.” 

તેમણે જણાવ્યું હતું કે ગણેશોત્સવના અવસરે કોંકણ જતાં ભક્તો માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈમાં નોકરી અને વ્યવસાય કરતા લોકો પણ આ સેવાનો લાભ લઈને પોતાના પરિવાર સાથે ગણેશોત્સવની ઉજવણી કરવા કોંકણના ગામડે પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બીજી ‘મોદી એક્સપ્રેસ’માં પરિવારો, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત અનેક મુસાફરો કોંકણ તરફ રવાના થયા હતા. આ મુસાફરો ઉત્સાહપૂર્વક ટ્રેનમાં સવાર થતા જોવા મળ્યા હતા. આ વિશેષ ટ્રેનને તહેવાર દરમિયાન મુસાફરો માટે રાહતરૂપ વ્યવસ્થા તરીકે જોવામાં આવી રહી છે. 

તેના કારણે તહેવાર દરમ્યાન કોંકણ જવા ઇચ્છતા અનેક લોકોને રાહત મળી છે, કારણ કે તહેવારના સમયે ટિકિટો ફૂલ થઇ જતા કોંકણ જવા ઇચ્છતા લોકો સામે સમસ્યા નિર્માણ થતી હોય છે, પણ વિશેષ ટ્રેનો અને મોદી એક્સપ્રેસને કારણે હજારો લોકો તહેવાર પહેલા પોતાના ગામડે પહોંચવામાં સફળ નીવડ્યા હતા. 

નિતેશ રાણેએ સોશિયલ મીડિયા ઉપર પણ બીજી ‘મોદી એક્સપ્રેસ’ના પ્રસ્થાનની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગણેશોત્સવના અવસરે કોંકણવાસીઓની સેવા માટે બીજી ટ્રેન શરૂ કરવામાં આવી છે. પ્રથમ ટ્રેન 11 સપ્ટેમ્બરે રવાના થયા બાદ હવે બીજી ટ્રેનને પણ લીલી ઝંડી મળતા ગણેશભક્તોને પોતાના વતન પહોંચવા વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થયો છે.