Mon Jul 06 2026

Logo

વિજ્ઞાન એટલે ... જીવનને બહેતર - બૃહદ બનાવતું વિશેષ જ્ઞાન

2026-07-05 09:56:00
Author: Shubhang Brahmbhatt
Article Image

 

 

 

શુભાંગ બ્રહ્મભટ્ટ



 

વિજ્ઞાન એટલે પ્રત્યક્ષ અનુભવ અને નિરીક્ષણથી રચાતું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એવી પ્રાથમિક વ્યાખ્યા ભણવામાં આવતી હતી. પાણી એટલે જળ, પીવાના ઉપયોગમાં આવતું સ્વાદ, ગંધ અને રંગ રહિત એક પ્રવાહી પદાર્થ. માતૃભાષામાં એને માટે ઉદક, નીર, સલિલ જેવા પર્યાયવાચી શબ્દો છે. વિજ્ઞાન કહે છે કે પાણી હાઇડ્રોજન અને ઑક્સિજન એ બે અણુનું બનેલું છે. ટૂંકમાં વિજ્ઞાન વિશેષ જ્ઞાન આપી સમજણ વિકસાવે છે.

 

આજે આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન એ હદે વણાઈ ગયું છે કે હેરત થાય. દહીં જામે એ માટે મેળવણ ઉમેરવામાં આવે છે એ વિજ્ઞાનનો જ સિદ્ધાંત છે. ડાલડા ઘી બને એમાં પણ વિજ્ઞાન છે અને ખમણ ઢોકળાનો સ્વાદ માણવા આથો લાવી ખીરું તૈયાર કરવું પડે એ પણ વૈજ્ઞાનિક પ્રક્રિયા જ છે. શીતળા એ દેવીનો પ્રકોપ નથી, પણ વાઇરસથી થતો એક ચેપી રોગ છે એ પણ વિજ્ઞાને જ આપણને સમજાવ્યું છે. એકવીસમી સદીમાં લગભગ દરેક પદાર્થ કે ઘટના વિજ્ઞાન સાથે સંલગ્ન છે. માણસની લગભગ તમામ પ્રવૃત્તિઓ ટેક્નૉલૉજીની મદદથી થઈ રહી છે. વિજ્ઞાનની સીમાઓ પરમાણુથી બ્રહ્માંડ સુધી વિસ્તરેલી છે અને આજનો મનુષ્ય વિવિધ સ્તરે અને વિવિધ તબક્કે વિજ્ઞાનનો અનુભવ-ઉપયોગ કરી રહ્યો છે. વિશ્ર્વએ એરિસ્ટોટલથી માંડી ન્યૂટન અને આલબર્ટ આઇન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ સુધી જાતજાતના અને ભાતભાતના વૈજ્ઞાનિકો જોયા છે. આપણા દેશમાં આર્યભટ્ટથી માંડી ડૉ. હોમી ભાભા અને ડૉ. ગગનદીપ કાંગ સહિત વિવિધ વૈજ્ઞાનિકોએ જીવનને બહેતર અને બૃહદ બનાવાવમાં યોગદાન આપ્યું છે. આપના પ્રિય અખબાર ‘મુંબઈ સમાચાર’માં આજથી શરૂ થતી આ વિજ્ઞાનની કૉલમમાં હેરત થાય, સમજણ વિકસે અને માહિતી-જાણકારી મળે એવી કોશિશ કરવામાં આવશે.

 

કોણ વધારે દઝાડે? ઉકળતું પાણી કે વરાળ?

 

કિશોરાવસ્થામાં અચાનક રસોડામાં ઘૂસી ગયા હોઈએ ત્યારે નાનીમા બૂમ પાડી કહેતા કે ‘કૂકરથી આઘો રહેજે, નહીંતર વરાળથી દાઝી જઈશ.’ નિશાળમાં (ગુજરાતી માધ્યમની સ્કૂલ)માં હજી સામાન્ય વિજ્ઞાન વિસ્તારપૂર્વક નહોતું ભણવામાં આવતું. એટલે સવાલ થયો કે ઊકળતા પાણીથી દાઝવાની બીક નહોતી લાગતી તો વરાળથી દાઝવાની વાત કેમ નાનીએ કરી હશે? સાતમા ધોરણમાં સામાન્ય વિજ્ઞાનના શિક્ષણનો વિસ્તાર થયો ત્યારે હકીકતની જાણ થઈ. વિજ્ઞાન કહે છે કે 100 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર ઊકળતા પાણીમાંથી 100 કેલરી ગરમી છૂટી પડે છે.

એ વાત તો બધા જાણતા જ હશે કે પાણી જેમ જેમ ગરમ થતું જાય એમ એમ તાપમાન 30 ડિગ્રીથી વધી 40, 70, 90 અને 100 ડિગ્રી પર પહોંચ્યા પછી તાપમાનમાં વધારો નથી થતો. તાપમાન 100 ડિગ્રી પર પહોંચ્યા પછી ઊકળતા પાણીનું રૂપાંતર વરાળમાં થવાની શરૂઆત થાય કે અને ત્યારે એક મહત્ત્વનો ફેરફાર જોવા મળે છે. સામાન્ય વિજ્ઞાન કહે છે કે 1 ગ્રામ પ્રવાહી પાણીને ઉત્કલન બિંદુ (બોઇલિંગ પૉઇન્ટ) પર તાપમાનમાં કોઈ પણ ફેરફાર વિના વરાળમાં રૂપાંતર થાય ત્યારે 540 કેલરી ગરમી છૂટી પડે છે જે સુષુપ્ત ગરમી અથવા લેટન્ટ હીટ તરીકે ઓળખાય છે. આ કારણસર ઊકળતા પાણી કરતાં વરાળથી વધુ દાઝી જવાય છે. ક્યારેક તો ત્વચાને ભારે નુકસાન પણ પહોંચી શકે છે. એટલે કૂકરની સીટી વાગે ત્યારે એમાંથી છૂટી પડતી વરાળ વધુ નુકસાન કરી શકે છે એ વાત વૈજ્ઞાનિક કારણ સાથે યાદ રાખજો.

 

ચકલી નાની ને ફૈડકો મોટો

 

 સર્કસમાં એક રિંગમાસ્ટર હોય. એ રિંગમાસ્ટર આદેશો છોડે એ પ્રમાણે જનાવરો ઉછળકૂદ કરીને ખેલ દેખાડીને જનતાનું મનોરંજન કરતો હોય છે. જીવનસંસાર પણ એક સર્કસ જ છે એવું ફિલોસોફરો કહેતા હોય છે. ક્યારેક સંજોગો-પરિસ્થિતિ માણસને નચાવતી હોય છે અને કાળા માથાના માનવીએ એ પ્રમાણે નાચવું પડતું હોય છે. ક્યારેક સ્વાર્થ માટે તો ક્યારેક વખાના માર્યા. જોકે આ જ માનવી પોતાનાથી કમજોર મનુષ્ય કે પ્રાણીને નચાવવાની તક મળે તો છોડતો નથી એવું સુધ્ધાં જોવા મળ્યું છે. 

યુકેની યુનિવર્સિટી ઑફ મૅન્ચેસ્ટરના સંશોધકોએ અદ્યતન ટેક્નૉલૉજીની મદદથી વિશિષ્ટ સંશોધન કર્યું છે. અતિ ઉદ્યમી જીવ તરીકે ઓળખાતા કરોળિયાને તાલીમ આપી વૈજ્ઞાનિકોએ એને ઇચ્છિત ઊંચાઈ અને અંતર સુધી કૂદકો મારતો કરી દીધો છે. આ પ્રયોગથી સમાન લક્ષણો   ધરાવતા કેટલાક શિકારી જીવો કઈ રીતે શિકાર કરે છે એ સમજાયું છે. નેચર સાયન્ટિફિક રિપોર્ટ્સની જાણકારી મુજબ કરોળિયો શિકારને હડપવા ચોક્કસ પ્રકારે જ કેમ છલાંગ લગાવે છે એ સમજી શકાયું છે. કરોળિયો છલાંગ મારવાની તૈયારી કરે છે ત્યારે પોતાના શરીરના વજન કરતાં પાંચ ગણું વધુ વજન પગ પર આપે છે. આવી રીતે મારવામાં આવેલા કૂદકાને કારણે પોતાના શરીરની કુલ લંબાઈ કરતાં છ ગણા વધુ અંતરે એ પહોંચી શકે છે. ચકલી નાની ને ફૈડકો મોટો - વાત નાની અને વિસ્તાર ઝાઝો જેવી વાત થઈ. આ વાત કરોળિયાથી અનેકગણા મહારથી માનવીને આંટી જાય એવી છે કારણ કે મનુષ્ય પોતાની લંબાઈ કરતાં દોઢ ગણું માંડ કૂદી શકે છે.

 

ગણિત અઘરું? ના, આસાન...!  

 

સમજવું મુશ્કેલ છે, પણ ગણિત માનસિક ગભરાટ જન્માવતો વિષય રહ્યો છે. ભારત દેશ તો આર્યભટ્ટ, વરાહ મિહિરથી માંડીને રામાનુજ સુધીના ગણિતજ્ઞોનો અમૂલ્ય અને સમૃદ્ધ વારસો ધરાવે છે. ગણિતના કેટલાક અઘરા લાગતા દાખલાઓ કે સમીકરણોનો ઉકેલ લાવવા નિષ્ણાતોએ શોધી કાઢેલી તરકીબોથી અઘરું આસાન બની જાય છે. જો તમને એકથી પચાસ સુધીના અંકોનો સરવાળો કરવાનું કહેવામાં આવે તો તમારા મોઢા પર કંટાળો જરૂર આવી જવાનો. એનું મુખ્ય કારણ એ છે કે ગણતરી સરળ છે, પણ લાંબી હોવા ઉપરાંત સમય અને ધીરજ માગી લે એવી છે. એકમાં બે ઉમેરવાના, એનો જે જવાબ આવે એમાં ત્રણ ઉમેરવાના, ત્યાર બાદ એના જવાબમાં ચાર ઉમેરવાના અને આ સિલસિલો પચાસનો આંકડો આવે ત્યાં સુધી ચાલુ રાખવાનો. ઓહ નો, વેરી બોરિંગ એવી પ્રતિક્રિયા સહજ કહેવાય. હવે જો આ ગણતરી એક સમીકરણથી ચપટી વગાડતાંમાં થઈ જાય તો? તો જલસા પડી જાય ને!

એકથી પચાસ કે બીજા કોઈ પણ નંબર સુધીની સંખ્યાનો સરવાળો કરવો હોય તો એ નંબર અને એમાં એક ઉમેરી જે સંખ્યા આવે એનો ગુણાકાર કરવાનો. મતલબ કે 50 ગુણ્યા 51 લખવાનું અને બે વડે એનો ભાગાકાર કરવાનો. 50ને બે વડે ભાગવાથી 25 મળે અને એનો 51 સાથે ગુણાકાર કરવાથી 1275 મળે જે તમારો જવાબ છે. કેટલું ઈઝી છેને. અલબત્ત અહીં એકથી કોઈ નંબર સુધીના સરવાળાની જ વાત છે એવું નથી. જો તમને 30થી 70ના આંકડાઓનો કે બીજી કોઈ બે સંખ્યા વચ્ચે રહેલા નંબરનો સરવાળો પૂછવામાં આવે તો ઉપરની રીત પહેલાં એકથી ત્રીસ માટે કરો, પછી એકથી સિત્તેર માટે કરવાની અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદબાકી કરવાથી જવાબ મળી જશા. કોશિશ કરી જુઓ અને અન્યોને પણ સમજાવો, બધાને મજા પડશે.