Fri Jun 19 2026

Logo

સોશિયલ મીડિયા પર સીન સપાટા ભારે પડ્યા: મુન્દ્રામાંથી લૉ નો સ્ટુડન્ટ બે તમંચા સાથે ઝડપાયો!

2026-06-02 13:28:00
Author: mumbai samachar team
Article Image

ભુજ: ઈન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે ફોટા મૂકીને ‘સીન સપાટા’ કરવાનું કચ્છના બે યુવકોને ભારે પડી ગયું છે. રાજસ્થાનના ટ્રક ચાલક પાસેથી ગેરકાયદેસર લોડેડ દેશી તમંચા ખરીદીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર મુન્દ્રાના કાયદાના એક વિદ્યાર્થી અને તેના આઈસ્ક્રીમ વેચતા મિત્ર પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની નજર પડતાં એસએમસીની ટુકડીએ મુન્દ્રા ત્રાટકીને બંને મિત્રોને બે વિદેશી બનાવટના તમંચા અને ૧૪ જીવતા કારતૂસ સાથે દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ. એસ.એમ. જાડેજા અને તેમની ટુકડીને બાતમી મળી હતી કે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટા પોસ્ટ કરનાર શખ્સો મુન્દ્રામાં છે. જેના આધારે ગત રાત્રે મુન્દ્રાના નાના કપાયા અદાણી બાયપાસ પાસે આવેલી એક ટ્રાન્સપોર્ટ પેઢીની ઓફિસમાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં હાજર રમેશ રામ ગઢવી (ઉ.વ. ૨૧, રહે. સદગુરુ સ્માર્ટ વિલા પાસે, ઉમિયાનગર, મુન્દ્રા) અને તેના  મિત્ર કિશન હરજી સાલાણી (કોળી) (ઉ.વ. ૨૬, રહે. સરકારી કુમાર છાત્રાલય, પોર્ટ કોલોની પાસે, મુન્દ્રા)ને રાઉન્ડઅપ કર્યા હતા.

પોલીસે ઓફિસમાં રાખેલા લાકડાના ટેબલનું લોક તોડાવીને તલાશી લેતા, તેમાંથી એક ખાખી બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સની અંદરથી દેશી બનાવટના ૯ એમએમના બે ઘાતક તમંચા, બે ખાલી મેગેઝીન અને કુલ ૧૪ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેમાં એક તમંચામાં ૫ રાઉન્ડ અને બીજા તમંચામાં ૯ રાઉન્ડ લાઈવ લોડેડ હતા.

પોલીસની કડક પૂછપરછમાં આરોપી રમેશ ગઢવીએ ખુલાસો કર્યો હતો કે તે કાયદાની શાખાનો અભ્યાસ કરે છે અને પિતાના ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં મદદ કરે છે. અગાઉ તેના પિતા ભોજનાલય ચલાવતા હોવાથી ત્યાં મુન્દ્રા બંદર પર આવતા-જતા ટ્રક ચાલકો જમવા આવતા હતા. આ દરમિયાન રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક ધનરાજ હનુમાનરામ ચૌધરી સાથે તેની મિત્રતા થઈ હતી. ટૂંકા સમયમાં પિસ્તોલ વેચીને મોટી કમાણી કરવાની લાલચે રમેશ અને કિશને ધનરાજ પાસે હથિયારની માંગણી કરી હતી. આથી, સવા બે વર્ષ અગાઉ ધનરાજ આ હથિયારો લઈને ગાંધીધામ વરસાણા આવ્યો હતો, જ્યાં ટોયોટા શો-રૂમ પાસે રમેશ અને કિશને તેને રૂ.૫૦,૦૦૦ રોકડા આપીને આ બંને તમંચા ખરીદ્યા હતા.

હથિયાર ખરીદ્યા બાદ રમેશે તેને પોતાની ઓફિસના કબાટમાં છુપાવી રાખ્યા હતા. જો કે, છ મહિના અગાઉ કિશને આ તમંચા હાથમાં રાખીને રોફ જમાવવા માટે કેટલાક ફોટા પડાવ્યા હતા અને તે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટા સ્ટેટ મોનિટરિંગ સેલની સાયબર વિંગની નજરે ચડી ગયું હતું.

એસએમસી પોલીસે રમેશ ગઢવીના કબજામાંથી રૂ.૧ લાખની કિંમતના બે સ્માર્ટફોન, રૂ ૨ લાખની કિંમતના બે દેશી તમંચા અને ૧૪ જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હથિયાર સપ્લાય કરનાર રાજસ્થાનના ધનરાજ ચૌધરી સહિત ત્રણેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

(ઉત્સવ વૈદ્ય)