પ્રશાસને કેટલી કરી કમાણી જાણો સરકારે વિધાનસભામાં શું કહ્યું?
ગાંધીનગરઃ રાજ્યમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે સરકાર મહામહેનત કરી રહી છે, જેનું પરિણામ અનેક વન્યસ્થળો-અભયારણ્યોને જોવા મોટી સંખ્યામાં હવે પર્યટકો ઉમટી પડે છે. સૌરાષ્ટ્રના ગીરની જ વાત કરીએ તો વહીવટી પ્રશાસન માટે મસમોટી આવકનું સાધન બન્યું છે, જેનો ઉલ્લેખ સરકારે વિધાનસભામાં કર્યો હતો.
ગીર અભયારણ્ય માત્ર સિંહો જ નહીં, પરંતુ વન્ય જીવવિવિધતા માટે પણ જાણીતું છે. અહીં પ્રવાસીઓને સિંહ અને દીપડા ઉપરાંત સાબર, ચિત્તલ અને હરણની વિવિધ પ્રજાતિઓ નીહાળવા મળે છે. ઉપરાંત અહીં અંદાજે 375 જેટલી પક્ષીની વિવિધ પ્રજાતિઓ વસવાટ કરે છે. ગુજરાત વિધાનસભામાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાએ ગીર અભયારણ્યા ખાતે લીધેલી મુલાકાતનો પ્રશ્ન પૂછ્યો હતો.
તેમણે પૂછ્યું હતું કે 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગીર અભ્યારણ્યની કેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી, જ્યારે આ મુલાકાત દરમિયાન પર્યટકો માટે કેટલી પરમિટ ઈસ્યૂ કરવામાં આવી અને કેટલી આવક થઈ?
આ સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું હતું કે 31-12-2025ની સ્થિતિએ વર્ષ-2024 દરમિયાન - 8,59,262 તેમ જ વર્ષ-2025 દરમ્યાન 9,28,416 મુલાકાતીઓએ સાસણગીર ખાતે ગીર અભયારણ્યની મુલાકાત લીધી હતી. બે વર્ષમાં કુલ 17,87,687 પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી.
વર્ષ 2024 દરમિયાન કુલ 1,45,214 મુલાકાતીઓ માટે અને વર્ષ-2025 દરમિયાન 1,54,515 મુલાકાતીઓ માટે પરમીટ ઇસ્યુ કરવામાં આવી હતી. વર્ષ 2024માં કુલ રૂ. 16.66 કરોડ અને વર્ષ-2025માં રૂ. 17.98 કરોડની આવક થઈ હતી.