Sat Sep 12 2026

Logo

જૂનાગઢ અને અમરેલીના 21 ડેમમાં પાઈપલાઈનનું કામકાજ થયું સંપન્નઃ હજારો હેક્ટરને મળ્યો સિંચાઈનો લાભ...

2026-03-13 19:30:21
Author: Devayat Khatana
જૂનાગઢ અને અમરેલીના 21 ડેમમાં પાઈપલાઈનનું કામકાજ થયું સંપન્નઃ હજારો હેક્ટરને મળ્યો સિંચાઈનો લાભ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલી વિગતો મુજબ 'સૌની યોજના' દ્વારા જૂનાગઢ અને અમરેલીના ડેમોને નર્મદાના નીરથી જોડવાની કામગીરી તેજ બની છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિવિધ ડેમોને સૌની યોજના હેઠળ સાંકળવાની કામગીરી અંગેની વિગતો વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી. પહેલી જાન્યુઆરી 2025ની સ્થિતિએ અમરેલી જિલ્લાના વડી, ખોડિયાર, મુંજીયાસર અને રાયડી જેવા 9 ડેમમાં પાઈપલાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે.

ઉપરાંત, સાવરકુંડલા તાલુકાના સુરજવડી અને શેલ દેદુમલ ડેમમાં કામગીરી હજુ પ્રગતિમાં છે. તેવી જ રીતે જૂનાગઢ જિલ્લાના ગળથ, ઉબેણ, આંબાજળ અને ઓઝત સહિતના અંદાજે 12 ડેમોમાં પાઈપલાઈન બિછાવવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

વર્ષ 2023માં વડી, મુંજીયાસર, ગળથ અને ઘેલો ઇતરિયા સહિતના ડેમમાં કુલ 80.33 એમસીએફટી પાણી છોડીને 517 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2024માં પાણીના જથ્થામાં નોંધપાત્ર વધારો કરી કુલ 828.50 એમસીએફટી પાણી છોડવામાં આવ્યું હતું, જેનાથી જૂનાગઢ અને અમરેલીના કુલ 1137 હેક્ટર વિસ્તારને સિંચાઈનો ફાયદો મળ્યો છે. 

જોકે, જે ડેમોમાં હજુ સુધી 'સૌની યોજના'નું પાણી છોડવામાં આવ્યું નથી, તેના કારણો સ્પષ્ટ કરતા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2023 અને 2024ના ચોમાસા દરમિયાન પૂરતા વરસાદને કારણે ઘણા ડેમો આપમેળે ભરાઈ ગયા હતા. વધારાના પાણીની જરૂરિયાત ન હોવાથી ત્યાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું નહોતું.