Wed Sep 09 2026

Logo

સુરતમાં આર્ય અને વસુધાની જોડી તૂટી, કિડનીની બીમારી સામે આર્ય જંગ હાર્યો

2026-04-29 21:08:42
Author: Pooja Shah
સુરતમાં આર્ય અને વસુધાની જોડી તૂટી, કિડનીની બીમારી સામે આર્ય જંગ હાર્યો

અમદાવાદઃ ઘણા પ્રાણીઓની જોડીઓ જગજાહેર હોય છે અને તેમને જોવા આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. સુરતના સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓ ખાસ સિંહ-સિંહણની જોડી આર્ય અને વસુધાને જોવા આવતા હતા. જોકે આર્યનું મોત થવાથી આ જોડી મંગળવારે તૂટી ગઈ હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આર્ય છેલ્લા કેટલાક સમયથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. સાવજે બીમારી સામે લાંબી લડત લડી હતી, પરંતુ અંતે મંગળવારે તેનું મોત થયાનું જાણવા મળ્યું હતું.  તેના મોતના સમાચાર અહીંના કર્મચારીઓ અને વારંવાર આવતા મુલાકાતીઓ માટે ખૂબ જ દુઃખદાયી હતા. 

મળતી માહિતી અનુસાર સુરત મનપાએ વર્ષ 2020માં રાયપુરથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ આર્યને અહીં લાવ્યો હતો. આર્યને સિંહણ વસુધા સાથે રાખવામાં આવ્યો હતો. બંનેને જોવા અહીં બાળકો સહિત મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવતા હતા. થોડા સમય પહેલા તેને પગમાં ઈજા થઈ હતી અને તેની સારવાર દરમિયાન તબીબી અહેવાલો બહાર આવતા તેને કિડનીની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું.