Mon Sep 21 2026

Logo

ટેસ્ટ ખેલાડી સરફરાઝ ખાનની માનસિક પીડા બહાર આવીઃ પોસ્ટમાં લખ્યું કે...

2026-08-07 18:58:56
Author: Ajay Motiwala
ટેસ્ટ ખેલાડી સરફરાઝ ખાનની માનસિક પીડા બહાર આવીઃ પોસ્ટમાં લખ્યું કે...

મુંબઈઃ ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના ટેસ્ટ-પ્રવાસે છે ત્યારે ટેસ્ટ-બૅટ્સમૅન સરફરાઝ ખાન (Sarfaraz Khan)ની એક ઇન્સ્ટાગ્રામ-સ્ટોરી સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ થઈ ગઈ છે. સરફરાઝે એક ક્રીપ્ટિક મૅસેજ લખ્યો છે જે ખૂબ ચર્ચાસ્પદ થયો છે.

સરફરાઝે ઇન્સ્ટાગ્રામ-સ્ટોરીમાં એક તસવીર શૅર કરી જેના પર લખ્યું હતું, `કદાચ હું તેમના માટે ફિટ નથી, પણ હું પૂરી તાકાતથી લડીશ.'

સરફરાઝે આ પોસ્ટ (Post)માં કોઈ વ્યક્તિ, સિલેક્ટર કે ઘટનાનો ઉલ્લેખ નથી કર્યો. એ જોતાં તેણે આ સંદેશ કોના સંદર્ભમાં મોકલ્યો એ સ્પષ્ટ નથી થયું. જોકે તેને ટીમ ઇન્ડિયાની બહાર રાખવામાં આવ્યો છે એ જોતાં તેની આ પોસ્ટ ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય તો બની જ ગઈ છે. સરફરાઝે ભારત વતી છ ટેસ્ટમાં એક સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરીની મદદથી કુલ 371 રન બનાવ્યા છે. આઇપીએલમાં તે ચેન્નઈની ટીમ વતી આઠ મૅચમાં માત્ર 161 રન બનાવી શક્યો છે. તેણે પ્રથમ કક્ષાની 62 મૅચમાં કુલ 5,114 રન બનાવ્યા છે.

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસમાં છે જેમાં શુક્રવારે ત્રણ દિવસની એકમાત્ર વૉર્મ-અપ મૅચ શરૂ થઈ હતી. પ્રથમ ટેસ્ટ 15મી ઑગસ્ટે અને બીજી તથા અંતિમ ટેસ્ટ 23મી ઑગસ્ટે શરૂ થશે.

સરફરાઝ ખાનને 23મી ઑગસ્ટે શરૂ થનારી દુલીપ ટ્રોફીમાં રમવાનો મોકો તો મળવાનો જ છે. તેને પશ્ચિમ ઝોનની ટીમમાં સમાવાયો છે. એ ટીમનું સુકાન ઋતુરાજ ગાયકવાડ સંભાળશે, જ્યારે શમ્સ મુલાની ઉપ-સુકાની છે. સ્ક્વૉડમાં પૃથ્વી શૉ, સરફરાઝ ખાન, તેના નાના ભાઈ મુશીર ખાન તથા શાર્દુલ ઠાકુર જેવા જાણીતા ખેલાડીઓનો સમાવેશ છે. આ ટૂર્નામેન્ટમાં દમદાર પર્ફોર્મ કરવાની સરફરાઝ પાસે તક છે. એવું કરીને તે ટીમ ઇન્ડિયામાં કમબૅક કરી શકશે.