Sun Oct 04 2026

Logo

પત્રકારોને ધમકી આપનારા સંજય દિના પાટીલને શિંદેનો કડક આદેશ, જાણો શું કહ્યું?

2026-06-25 20:46:46
Author: Mumbai Samachar Team
પત્રકારોને ધમકી આપનારા સંજય દિના પાટીલને શિંદેનો કડક આદેશ, જાણો શું કહ્યું?

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડી તાજેતરમાં શિંદે સેનામાં જોડાયેલા સંસદ સભ્ય સંજય દિના પાટીલે ગુરુવારે કથિત રીતે પત્રકારોને ગાળાગાળી કરી તેમને ધમકી આપી હતી. આ બનાવને પગલે પક્ષના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને માફી માંગવા કહ્યું હતું.

શિવસેના (યુબીટી)ના છ સંસદ સભ્ય તાજેતરમાં શિંદેના નેતૃત્વ હેઠળના પક્ષમાં જોડાયા હતા એમાં ઈશાન મુંબઈના સંસદ સભ્ય સંજય દિના પાટીલનો પણ સમાવેશ થાય છે. 'તમે મારા મામલામાં કેમ માથું મારી રહ્યા છો? જો તમે ફરીથી એમ કર્યું તો હું તમને મારી નાખીશ' એમ પાટીલે પત્રકારોને અપશબ્દો સંભળાવી પાટીલે કથિત રીતે કહ્યું હતું.

શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને પાટીલના કથિત નિવેદન બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 'જો કોઈ (પક્ષ પલટો કરવા બદલ) વિરોધ કરશે, તો તેઓ તેમના પર બોમ્બ ફેંકશે અને તેમના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખશે' એવું કહ્યું હોવાનો આક્ષેપ છે. 

સંજય દિના પાટીલની પુત્રી અને નગરસેવક રાજુલ પાટીલે કહ્યું હતું કે તેમના પિતાના પક્ષપલટા છતાં તેઓ ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં જ રહેશે. ગૃહ મંત્રાલય સંભાળતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ ટિપ્પણી કરશે.