Thu Apr 23 2026

Logo

જીવનપરીક્ષાનો ખેલ: કોઇ પાસ...કોઇ ફેલ!.

2026-03-29 09:08:00
Author: Sanjay Chel
Article Image

 

મિજાજ મસ્તી - સંજય છેલ

ટાઈટલ્સ: 

પેપર ને કિસ્મત ફૂટે ય ખરાં (છેલવાણી)

પરીક્ષાની સીઝનમાં નારાયણ ગંગોપાધ્યાયની અદ્ભુત બંગાળી દિલ હલાવી નાખતી એક વાર્તા યાદ આવી જાય ...તમે પણ વાંચી જુઓ:

`માનનીય પરીક્ષકજી,

મારી ઉત્તરવહી તપાસીને ગુસ્સો આવશે. આવું ઉટપટાંગ લખવા માટે તમે `ઝીરો' માર્ક આપશો કે કદાચ યુનિવર્સિટીમાં ફરિયાદ પણ કરો. ભલે, પણ પ્લીઝ લખાણ પૂં વાંચજો.

પરીક્ષકજી, કદાચ હું 1-2 પ્રશ્નોના ઉત્તર લખત પણ એનાથી પાસિંગ માર્ક પણ નહીં આવત. હવે એ બધાંનો અર્થ નથી, કારણ કે આજે સાંજ પછી હું પાસ-નાપાસની સીમાની પાર હોઈશ. તમે કહેશો કે નાપાસ થવાથી કાયરની જેમ આત્મહત્યા કરવાની? દેશનાં યુવાનોમાં આટલુંય ખમીર ન હોય તો દેશનું શું થશે? સર, જ્યારે મેં ભણીગણીને મોટા માણસ બનવાનું સપનું જોયેલું ત્યારે એ ભૂલી ગયેલો કે હું તો મામૂલી ખેડૂતનો દીકરો છું. એ ગરીબ બાપ જેનો દેશપ્રેમ, દિલ્હીનાં નેતાઓ કરતાં જરાયે ઓછો નહોતો. 1942માં સપ્ટેમ્બરની મધરાતે જંગલમાં હું જન્મેલો,  કારણ એ ત્યારે અંગ્રેજોએ અમારા ગામને સળગાવી નાખેલું. મારા બાપને ગોળી વાગેલી છતાંયે રાષ્ટ્રધ્વજ અને મારી માને બચાવીને ભાગ્યા હતા. આમ તો હુંયે ખેતીથી જીવી લેત, પણ કાકાએ મને સ્કૂલમાં મૂક્યો. સ્કૂલમાં સ્કોલરશિપ મળી ને એ જ મારો કાળ બની. હું આંખમાં સપનાઓ આંજીને ગામથી દૂર હાઈસ્કૂલમાં દાખલ થયો. હોસ્ટેલનાં પૈસા નહોતા એટલે કાકાએ દૂરના સગા સામંત શેઠને ત્યાં મૂક્યો અને  સામંત શેઠ મારી પાસે કામ કરાવીને પૈસા વસૂલતા.

પરીક્ષકજી, મારા અક્ષરો સારા છેને? માં ગણિત પણ સાં એટલે સામંત શેઠ મારી પાસે પત્રો અને હિસાબના ચોપડા લખાવતા. છેક રાતે ભણવા બેસું ને મારી ઓરડીમાં બુઢ્ઢો ગુમાસ્તો હુક્કો પીવા માંડતો. તમે જ કહો એવામાં થાક્યો પાક્યો હું કેવી રીતે ભણી શકું. મારા કાકા મને કાગળ લખતા:     

`બેટા, દેશનાં 10 માણસમાં તારી ગણતરી થવી જોઇએ. તારા શહીદ બાપુ જે નામ કરી ગયા છે, એને ઉજાળજે. આઝાદ ભારતમાં તારે મોટો માણસ બનવાનું છે એ ભૂલતો નહીં.'

પણ આઝાદ દેશે મારા માટે શિક્ષણ કે નોકરીની કોઇ તક ના આપી. મારા શેઠે મને પરીક્ષાની ફી માટે 50 રૂ. આપ્યા પણ 50 રૂ.નું દેવું, મારે એકએક લોહીનાં ટીપાંથી ચૂકવવું પડયું. રાતભર જાગીને હિસાબી ચોપડા લખતો, પછી ભણું ક્યારે? તમાકુની દુકાનમાં નોકરી, ભણતરના નામે ક્લાસમાં અર્થહીન ગરબડ, ઓરડીમાં ઝાંખી લાઈટના અજવાળે આંખો સામે બધું જ ધુંધળું લાગતું માથામાં આચાનક લોહીના તરંગો અફળાતા ને થતું નાસી જાઉં, કશેક કૂદી પડું. પણ મારે જીવવું હતું! આઝાદ નવા દેશ માટે નવી નવી શોધખોળ કરવી હતી.

પરીક્ષકજી, તમે કદી વિચાર્યું છે વિદ્યાર્થીઓ કોપી કરવાના ખોટે માર્ગે કેમ જાય છે? કારણકે `પાસ-  નાપાસ'ના લેબલ પર આખું ભવિષ્ય લટકેલું હોય છે. આજે હુંયે કોપી કરવા માટે પુસ્તકનાં પાનાંઓ ફાડીને લાવેલો. પણ હું ખિસ્સામાંથી એક ચબરખી પણ કાઢી શક્યો નહીં. મારા મગજમાં કંપનીના બનાવટી હિસાબ ઘૂમરાઈ રહ્યા છે. ગરીબ ખેડૂતનો આ દીકરો ક્યારે ભણશે પછી એને નોકરી મળશે? સરકારી નોકરીઓમાં લાગવગ લગાડી શકશે? દેવું કેમ ચૂકવશે? આ પેપરના સવાલો જેમ મારી પાસે કોઇ જવાબ નથી.

પરીક્ષકજી, હું આઝાદ ભારત માટે જીવવા માગતો હતો તો પછી કાયરની જેમ આપધાત શાને કં છું? ના, આ મારી હાર નથી. મારો વિદ્રોહ છે. 1942ની એ રાતે મારા બાપે દેશની જમીન પર લોહી રેડેલું. તો હુંયે માં લોહી દેશના લાખો સ્ટુડંટ્સ માટે વહેવડાવી દેશના નવા ઈતિહાસની પ્રસ્તાવના લખતો જાઉં છું. એ નવો ઇતિહાસ ક્યારે ઘડાશે? ખબર નહીં! 

લિ.
`આઝાદ દેશનો હારેલ જુવાન'

ઇન્ટરવલ:

સાથી ના કારવાં હૈ,
યે તેરા ઇમ્તિહાન હૈ. (મજહ)

પરીક્ષાનો ડર ખાલી ભારતમાં જ છે, એવું નથી. ચીનમાં કોલેજ એડમિશન માટે `ગાઓકાઓ' નામની પરીક્ષા, દુનિયાની સૌથી અઘરી પરીક્ષાઓ ગણાય છે, જે સતત 2 દિવસ ચાલે ને પેપર લખવા સળંગ 10-10 કલાક બેસવાનું! બોલો?

દર વરસે વિદ્યાર્થીઓને સલાહ આપીને ડરને ખતમ કરવાની ચળવળ ચાલે. હમણાં એક મનોચિકિત્સકે કહ્યું: વિદ્યાર્થીઓને ફેલ થવાના ડર કરતાં પરીક્ષામાં બેસવાનો ડર વધુ લાગે. નબળા વિદ્યાર્થીઓ કોઇપણ રીતે પાસ થવા આન્સર પેપરમાં એવું લખે કે તપાસનાર પાગલ થઇ જાય. એક વિદ્યાર્થીએ ગણિતની ઉત્તરવહીમાં ગીત લખી નાખ્યું : 

`હમકો આન્સર નહીં આતા,
હમકો ન્યુમેરિકલ નહીં આતા,
હમકો સોલ્યુશન નહીં આતા,
તો ક્યા માંગતા? ફેન્ટા-ફેન્ટા,
હમકો માંગતા ફેન્ટા-ફેન્ટા.'

કેટલાંક વિદ્યાર્થીઓ તો આન્સરપેપરમાં બિંદાસ રોકડા રૂપિયા મૂકીને લાંચ આપે કે પોતાનો નંબર લખે. એકવાર વિજ્ઞાનનાં પેપરમાં અંતે લખેલું `પરમાત્માયે શરણં મમ!' તો પરીક્ષકે લખ્યું: `અભ્યાસ શરણં ગચ્છ!'
 કેટલાક સમાજશાસ્ત્રના પેપરમાં `શોલે' ફિલ્મની સ્ટોરી ભરડી મારે! તો કોઇક આજીજી કરે: `આ વખતે માફ કરો, પાસ કરો. આવતા વરસે નક્કી ભણીશ, ગોડ પ્રોમિસ!'

એક છોકરીએ પેપરમાં વિચિત્ર વિનંતિ કરેલી, `કમસેકમ પાસિંગ માર્ક્સ આપજો. ફેલ થઈશ તો પપ્પા પરાણે પરણાવશે ને આ ઉંમરે લગ્ન નથી કરવા. બચાવી લો, પ્લીઝ!' 

અગાઉ તપાસનાર આવું વાંચીને એકલા એકલા હસતા. હવે સોશ્યલ મીડિયામાં મૂકીને સૌનું મનોરંજન કરે છે. એમાંયે સરકારી પરીક્ષાઓનાં પેપર ના ફૂટે તો જ નવાઇ. યુપી-બિહારમાં તો ફૂટેલા પેપર સાથે ટાઇપ કરેલા ઉત્તરવહી પણ વેંચાય! કારણ કે સ્ટુડંટ્સ એક રાતમાં ફૂટેલાં પેપરના જવાબ ક્યાં શોધે? યુપી- બિહારમાં એકલું ફૂટેલા પેપર એટલે `છોલે' વિના `ભટૂરા'.

એન્ડ ટાઇટલ્સ:

આદમ: તારી ડિગ્રી દેખાડ.
ઇવ: બનાવવા આપી છે.