લાલુની પાઠશાળાથી મુખ્યમંત્રીની ખુરશી સુધી: ઉંમરના વિવાદમાં બરતરફીથી લઈને ઈતિહાસ રચવા સુધીની સંપૂર્ણ સ્ટોરી
પટણા: બિહારના રાજકારણમાં નીતીશ કુમારના શાસનના અંત સાથે સમ્રાટ ચૌધરીના નામે નવો અધ્યાય લખાશે. સમ્રાટ ચૌધરીએ બિહારના 24માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈને રાજ્યની ધૂરા પોતાના હાથ સંભાળશે. દિગ્ગજ નેતા શકુની ચૌધરીના પુત્ર સમ્રાટ ચૌધરીને રાજનીતિ વારસામાં મળી છે.
રસપ્રદ વાત એ છે કે, જે લાલુ પ્રસાદ યાદવ અને આરજેડીનો તેઓ આજે સખત વિરોધ કરી રહ્યા છે, તે જ લાલુ પ્રસાદની રાજકીય પાઠશાળામાંથી તેમણે રાજનીતિના કક્કા-બારાખડી શીખ્યા હતા. આરજેડી અને જેડીયુમાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા અને આજે રાજ્યના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે.
બિહારના નવા મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીનો રાજકીય સફર વિવાદો અને સિદ્ધિઓથી ભરેલો રહ્યો છે. માત્ર 19 વર્ષની વયે રાબડી દેવીની સરકારમાં કૃષિ રાજ્ય પ્રધાન બનીને તેમણે સૌને ચોંકાવી દીધા હતા. જોકે, આ નાની ઉંમર જ તેમના માટે વિવાદનું કારણ બની હતી. તે સમયે વિપક્ષમાં રહેલી ભાજપે જ તેમની ઉંમર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે તત્કાલીન રાજ્યપાલ સુરજભાને તેમને પ્રધાન મંડળમાંથી બરતરફ કર્યા હતા. દસ્તાવેજોમાં ઉંમરની વિસંગતતાઓને કારણે તેમની વિરુદ્ધ છેતરપિંડી અને ખોટી જાહેરાતનો ગુનો પણ નોંધવાની ફરજ પડી હતી, જે તેમની કારકિર્દીનો એક કપરો કાળ હતો.
આ નિમણૂક સાથે સમ્રાટ ચૌધરીએ બિહારના રાજકારણનો એક મોટી મિથ્યાને તોડી છે. જન નાયક કપૂરી ઠાકુર પછી સમ્રાટ ચૌધરી બિહારના બીજા એવા નેતા બન્યા છે જે અગાઉ નાયબ મુખ્ય પ્રધાન રહ્યા હોય અને બાદમાં મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચ્યા હોય. બિહારના ઈતિહાસમાં સુશીલ કુમાર મોદી, તેજસ્વી યાદવ કે રેણુ દેવી જેવા અનેક દિગ્ગજ નેતાઓ ડેપ્યુટી સીએમ પદ સુધી તો પહોંચ્યા પરંતુ મુખ્ય પ્રધાનની ખુરશી સુધી પહોંચી શક્યા નહોતા. સમ્રાટ ચૌધરીએ આ રેકોર્ડ તોડીને પોતાનું નામ ઈતિહાસમાં અંકિત કરી દીધું છે.
તેમની રાજકીય સફર પક્ષ પલટા અને આક્રમક તેવર માટે પણ જાણીતી છે. આરજેડી બાદ તેઓ નીતીશ કુમારની જેડીયુમાં જોડાયા અને 2014માં જીતન રામ માંઝીની સરકારમાં પણ પ્રધાન પદ ભોગવ્યું હતું. ત્યાર બાદ ભાજપમાં જોડાયા પછી તેમણે નીતીશ કુમાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો અને તેમને સત્તા પરથી હટાવવા માટે માથા પર 'મૂરેઠા' (પાઘડી) બાંધીને પ્રતિજ્ઞા લીધી હતી, જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. જોકે, બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે તેઓ આજે ભાજપના ચહેરા તરીકે મુખ્યમંત્રી બન્યા છે.
મુખ્ય પ્રધાન બનવા સુધીની સફરમાં સમ્રાટ ચૌધરીએ અનેક પડકારોનો સામનો કર્યો છે. તેમની શૈક્ષણિક ડિગ્રીઓ પર પણ સમયાંતરે જેડીયુ અને પ્રશાંત કિશોર જેવા નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
2025ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમની શૈક્ષણિક લાયકાત અને એફિડેવિટને લઈને થયેલા વિવાદોએ ઘણું જોર પકડ્યું હતું. આમ છતાં, તમામ અવરોધોને પાર કરીને એક સમયે પ્રધાન મંડળમાંથી બરતરફ થયેલા નેતા હવે બિહારના મુખ્ય પ્રધાન તરીકે બિરાજમાન થયા છે.