મુંબઈઃ ભોજપુરી ફિલ્મની જાણીતી એક્ટ્રેસ સંભાવના શેઠ 10 વર્ષથી જે ગૂડ ન્યૂઝની રાહ જોઈને બેઠી હતી એ ન્યૂઝ આખરે મળી ગયા છે. 45 વર્ષની સંભાવનાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. આ ખુશી તેમણે પોતાના પતિ અવિનાશ સાથે શેર કરી છે. એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો છે. બંન્નેની તબિયત સારી છે અને સંભાવનાની તબિયત પણ સારી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમણે આ ન્યૂઝ પોતાના સોશિયલ મીડિયા ફેન્સ સાથે શૅર કર્યા છે.
આ વર્ષે મહાદિવાળી આવશે
સંભાવના અને અવિનાશે કોલાબ પોસ્ટ મૂકીને આ વાત જણાવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, પ્રભુએ અમને એક દીકરી અને દીકરો આપ્યા, અમે જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છીએ. આ વર્ષે મહાદિવાળી ઝડપથી આવશે. લક્ષ્મી અને ગણેશ બન્ને ઘરે પધારશે. અમારૂ દિલ કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. હર હર મહાદેવ. ફેન્સે જ નહીં પણ સેલેબ્સે પણ સંભાવનાને શુભેચ્છાઓ પાઠવી છે. ગોવિદાની પત્ની સુનીતા આહુજાએ અને અક્ષરા સિંહથી લઈને જેમી લીવર, પાખી હેગડે અને ફ્લોરા સૈનીએ શુભેચ્છાઓ પાઠવી છે.
દસ વર્ષ સુધી સંતાન માટે સ્ટ્રગલ કર્યા બાદ તેમને આ ખુશી મળી છે. બાળકોની ઝલક જોઈને સંભાવનાની આંખમાંથી આસું સરી પડ્યા હતા. પતિ અવિનાશે એમને સંભાળી હતી. સરોગસી પ્રક્રિયાની મદદથી સંભાવના માતા બની છે. એક ભાવુક તસવીર સોશિયલ મીડિયા પર શૅર પણ કરવામાં આવી છે, જેમાં તે ભગવાનનો આભાર વ્યક્ત કરતી જોવા મળે છે.
સાત વખત નિષ્ફળતા મળી
IVFની મદદ પણ લેવામાં આવી હતી પણ સાત વખત નિષ્ફળ થયા બાદ તે તૂટી ગઈ હતી. આખરે દસ વર્ષે એમને ત્યાં ગૂડ ન્યૂઝ આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 30 એપ્રિલ 2026ના બન્નેએ સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને પોતે ગર્ભવતી છે એવું એલાન કર્યું હતું. પતિ સાથે એક પોસ્ટર હાથમાં પકડીને ફોટો ક્લિક કરાવ્યો હતો,જેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'અમે પ્રેગ્નન્ટ છીએ'. નવા મહેમાનું ઘરમાં પણ જોરશોરથી સ્વાગત થાય એ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમય સુધી સંતાન ઉછેરમાં સમય આપ્યા બાદ તે ફરી કોઈ ફિલ્મી પ્રોજેક્ટમાં એક્ટિવ થઈ શકે છે.