Sat Sep 05 2026

Logo

2023 ડ્રગ્સ જપ્તી કેસમાં સલીમ ડોલાને 8 મે સુધીની એનસીબી કસ્ટડી ફટકારાઇ

2026-04-30 19:49:00
Author: Yogesh D. Patel
2023 ડ્રગ્સ જપ્તી કેસમાં સલીમ ડોલાને 8 મે સુધીની એનસીબી કસ્ટડી ફટકારાઇ

મુંબઈ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીત અને ડ્રગ નેટવર્કના સૂત્રધાર સલીમ ડોલાની નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ 2023ના ડ્રગ્સ જપ્તી કેસમાં ધરપકડ કરી હતી અને તેને કોર્ટે 8 મે સુધીની એનસીબી કસ્ટડી ફટકારી હતી.

માર્ચ, 2024માં ભારતે કરેલી વિનંતીને પગલે ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને આધારે ઇસ્તંબુલથી 59 વર્ષના સલીમ ડોલાની ધરપકડ કરાઇ હતી. ભારતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના દાખલ અનેક કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો.

ડોલાને મંગળવારે દિલ્હી લાવવામાં આવ્યો હતો અને ત્યાંની અદાલતે ડોલાને મુંબઈ લઇ જવા માટે એનસીબીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા હતા. એનસીબીની ટીમ ડોલાને બુધવારે મુંબઈ લઇ આવી હતી અને ગુરુવારે એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ ક.એસ. ઝંવાર સમક્ષ ડોલાને હાજ કરાયો હતો

એનસીબીએ આ મામલે તપાસ કરવા માટે ડોલાની 10 દિવસની કસ્ટડીની માગણી કરી હતી અને કોર્ટે તેને 8 મે સુધીની કસ્ટડી ફટકારી હતી. ડોલાને જે કેસમાં કસ્ટડી ફટકારવામાં આવી છે તે 2023માં દક્ષિણ મુંબઈમાં 20 કિલોગ્રામ એમડી (મેફેડ્રોન)ની જપ્તીનો છે. 

દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારનો રહેવાસી ડોલા ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાયમાં સામેલ હતો. તેણે વિદેશમાં રહીને દેશના વિવિધ ભાગોમાં મેફેડ્રોન વિતરણના નેટવર્કનું સંચાલન અને વિસ્તરણ કર્યું હોવાનું તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)