ભુજ: કચ્છના ભુજ તાલુકામાં આવેલા કેટલાક ગ્રામ્ય પંથકો છેલ્લા છ મહિનામાં સમગ્ર ક્ષેત્રના ઘાસચારાના મુખ્ય હોલસેલ માર્કેટ યાર્ડ તરીકે ઉભરી આવ્યા છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, આ ગામોમાં દૈનિક ૩૦૦ થી ૪૦૦ જેટલાં ટ્રેક્ટરો ભરાઈને ઘાસચારાની આવક થઈ રહી છે, જ્યાં વેપારીઓ દ્વારા જાહેર હરાજી કરીને વેચાણ કરવામાં આવે છે. જોકે, આટલા મોટા પ્રમાણમાં ઘાસની આવક હોવા છતાં સ્થાનિક પશુપાલકો અને માલધારીઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો પ્રાપ્ત થઈ રહ્યો નથી.
આ વિરોધાભાસી સ્થિતિ પાછળનું મુખ્ય કારણ એ છે કે બજારમાં વેચાતું આ ઘાસ સ્થાનિક ઉત્પાદન નથી. વેપારીઓ તેને ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી ઊંચા પરિવહન ખર્ચ સાથે મગાવી રહ્યા છે.
બીજી તરફ, ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં સરેરાશ કરતાં ૭૦ ટકા ઓછો વરસાદ નોંધાવાના કારણે બન્નીના ઘાસિયા મેદાનો અને અબડાસાના વિસ્તારોમાં કુદરતી ઘાસનું ઉત્પાદન તળિયે પહોંચ્યું છે જેના પરિણામે, કચ્છના કેટલાક ગામનું ઘાસ બજાર ધમધમી રહ્યું હોવા છતાં, ગરીબ અને સામાન્ય માલધારીઓ માટે આ અતિશય મોંઘું ઘાસ ખરીદવું આર્થિક રીતે અશક્ય બની ગયું છે.
બજારમાં ૨૦ કિલોના ઘાસના એક પૂળાનો ભાવ રૂ. ૨૫૦ સુધી પહોંચી ગયો છે. ઘાસચારાની ભારે અછત અને આસમાને પહોંચેલા ભાવના કારણે પશુઓનું જતન કરવું મુશ્કેલ બનતાં અનેક માલધારીઓએ પોતાના દૂધાળા પશુઓને વેચી દેવાની ફરજ પડી રહી છે, જેનાથી કચ્છના પરંપરાગત પશુપાલન ઉદ્યોગ પર ગંભીર સંકટ મંડરાઈ રહ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)