Wed Aug 19 2026

Logo

આતમના અજવાળેઃ આંડાળ: તુલસીના ક્યારામાંથી પ્રગટેલાં સંત કવયિત્રી

2026-08-03 09:31:00
Author: Bhargav Thakar
Article Image

ભાર્ગવ ઠાકર 

ઇતિહાસનાં પાનાંઓ જ્યારે આધ્યાત્મિકતાની નોંધ લે છે, ત્યારે આઠમી સદીના દક્ષિણ ભારતનું આકાશ એક અનોખા તેજથી ઝળહળતું દેખાય છે. આ એવો કાળખંડ હતો જ્યારે ભારતવર્ષમાં ભક્તિ આંદોલન તેના પ્રારંભિક ચરણમાં આકાર લઈ રહ્યું હતું. પ્રેમ અને ભક્તિ કોઈ મંદિરોની દીવાલોમાં કેદ નહોતાં, પણ ભક્તોના શ્વાસમાં ધબકતાં હતાં. બરાબર એ જ સમયગાળામાં, તમિલનાડુના શ્રીવિલ્લિપુત્તુર ગામમાં એક અદ્ભુત ઘટના ઘટી. 

પરમ વૈષ્ણવ સંત વિષ્ણુચિત્ત (પેરિયાળવાર) વહેલી સવારે પોતાના બગીચામાં ભગવાન વિષ્ણુ માટે ફૂલો વીણી રહ્યા હતા, ત્યારે તુલસીના ક્યારા પાસે તેમને એક અત્યંત તેજસ્વી નવજાત બાળકી મળી. નિ:સંતાન વિષ્ણુચિત્તે દૈવી પ્રસાદ માનીને આ બાળકીને હૃદયસરશી ચાંપી લીધી અને તેનું નામ રાખ્યું ‘કોદાઈ’ (ગોદા), એટલે કે ‘ફૂલોની સુંદર માળા’. જેમ-જેમ કોદાઈ મોટી થતી ગઈ, તેમ-તેમ પવિત્ર વાતાવરણમાં પિતાના મુખેથી સાંભળેલી શ્રીકૃષ્ણની લીલાઓએ તેના કુમળા માનસપટ પર ઈશ્વર પ્રત્યેના અખંડ પ્રેમનું એવું બીજ રોપ્યું, જે આગળ જતાં દક્ષિણ ભારતની ભક્તિ ચળવળનું સૌથી સુગંધીદાર રત્ન બનવાનું હતું.

કોદાઈનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ કોઈ સામાન્ય ભક્ત જેવો નહોતો; તે તો એક મુગ્ધાનો પોતાના પ્રિયતમ પ્રત્યેનો ઉત્કટ અને નિ:સ્વાર્થ પ્રેમ હતો. આ પ્રેમની પરાકાષ્ઠા દર્શાવતી એક રોમાંચક ઘટના રોજ ઘટતી. પિતા વિષ્ણુચિત્ત નિત્યક્રમ મુજબ જતનથી ભગવાન માટે સુગંધિત ફૂલોની માળા બનાવતા. પરંતુ કોદાઈ પિતાની ગેરહાજરીમાં એ માળા પોતાના ગળામાં પહેરી લેતી; અરીસા સામે ઊભી રહીને પોતાની જાતને પૂછતી, ‘શું આ શણગારમાં હું મારા પ્રભુની દુલ્હન તરીકે શોભીશ?’ અને પછી ચૂપચાપ એ માળા પાછી ટોપલીમાં મૂકી દેતી. 

એક દિવસ પિતાએ પોતાની દીકરીનું આ કૃત્ય પકડી લીધું. ક્રોધ અને ભયથી ધ્રૂજતા પિતાએ તે દિવસે એ એંઠી માળા ભગવાનને ન ચઢાવવાનો નિર્ણય કર્યો. પરંતુ એ જ રાત્રે ભગવાને વિષ્ણુચિત્તના સ્વપ્નમાં આવીને મીઠો ઠપકો આપતાં કહ્યું, ‘મને તો માત્ર કોદાઈએ પહેરેલી માળા જ પ્રિય છે, તેમાં તેના સમર્પણ અને પ્રેમની સુગંધ છે.’ આ દિવ્ય ઘટના પછી જ કોદાઈ ‘આંડાળ’ કહેવાયાં, ‘આંડાળ’ એટલે કે ‘જેણે પ્રભુના હૃદય પર રાજ કર્યું છે એ’. દક્ષિણ ભારતમાં આંડાળ આજે પણ ‘સૂડિક્કોડુત્ત સુડર્કોડી’ (જેણે પહેરીને માળા અર્પણ કરી તે) તરીકે પૂજવામાં આવે છે.

કિશોરાવસ્થામાં પહોંચતા આંડાળના હૃદયમાં વિરહનો અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યો. આ વિરહમાંથી જ જન્મ્યો તમિલ સાહિત્યનો અમર ગ્રંથ ‘તિરુપ્પાવૈ’. ત્રીસ પદોના આ કાવ્યમાં આંડાળ ગોપી ભાવમાં સરી પડ્યાં અને પોતાની સખીઓને વહેલી સવારે જગાડતાં ગાયું: 
‘માર્ગશીર્ષની આ પવિત્ર સવાર છે, હે મારી વહાલી સખીઓ! જાગો અને ચાલો સ્નાન કરવા. નંદબાબાના આંગણે પેલા શ્યામસુંદર આપણી રાહ જુએ છે.’

છેલ્લા પદમાં પોતાનો પરિચય આપતાં તેઓ કહે છે:
‘શ્રીવિલ્લિપુત્તુરની કન્યા આંડાળે ગૂંથેલી આ ત્રીસ મધુર કડીઓ જે ભાવથી ગાશે, તેમના પર ક્ષીરસાગરને વલોવનાર માધવની કૃપા અવશ્ય વરસશે.’

ઉંમર સાથે આંડાળનો પ્રેમ અસહ્ય બન્યો અને તેમણે ‘નાચિયાર તિરુમોળી’ની રચના કરી. જેમાં આંડાળ પોતાને શ્રીરંગમના રંગનાથની વાગ્દત્તા તરીકે કલ્પે છે અને પ્રભુના હોઠોનો સ્પર્શ પામનાર પંચજન્ય શંખને ઉદ્દેશીને ઈર્ષ્યાસભર કવિતા લખી છે: 

‘હે પંચજન્ય! તું કેટલો નસીબદાર છે? મારા પ્રિયતમના હોઠોનો સ્વાદ કેવો છે? શું તે કમળ જેવો મીઠો છે?’

પ્રભુને પામવાની આ ઉત્કટ ઝંખનામાં આંડાળે એક સ્વપ્ન જોયું, જે ‘નાચિયાર તિરુમોળી’ના છઠ્ઠા અધ્યાય ‘વારણમ આયિરમ’માં આલેખાયું છે,જે આજે પણ દક્ષિણ ભારતના લગ્નોમાં મંગળગીત તરીકે ગવાય છે. જેમાં તેમણે પોતાની સખીને સ્વપ્નનું વર્ણન કરતા અત્યંત ભાવવિભોર થઈને ગાયું: 

‘હે સખી! મેં જોયું કે હજારો હાથીઓનો દિવ્ય કાફલો ચાલી રહ્યો છે, ચારેકોર સુવર્ણ કળશ અને તોરણો બંધાયા છે, અને મારા નારાયણ, મારા ગોવિંદ આવીને મારો હાથ પકડી રહ્યા છે.’

આ સ્વપ્નલગ્ન, એ આંડાળના મનમાં આકાર પામેલી અદ્વૈત અનુભૂતિ હતી. યુવાવસ્થામાં પ્રવેશતા જ તેમણે સ્પષ્ટ કહી દીધું કે જો તેમનાં લગ્ન થશે તો માત્ર શ્રીરંગમના ભગવાન રંગનાથ સાથે જ થશે, અન્ય કોઈ માનવીને તેઓ વરી શકે નહીં.

આખરે એ હૃદયદ્રાવક અને ભવ્ય ઘડી આવી પહોંચી. દીકરીની હઠ અને પ્રભુના સ્વપ્નમાં મળેલા આદેશ મુજબ પિતા વિષ્ણુચિત્ત પોતાની લાડકવાયી દીકરીને દુલ્હનના અમૂલ્ય શણગારમાં સજાવીને રાજવી પાલખીમાં શ્રીરંગમ મંદિરે લઈ ગયા. મંદિરમાં ભક્તોની વિશાળ ભીડ હતી અને ચારે તરફ મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતા. જ્યારે આંડાળ ગર્ભગૃહની બરાબર સામે પહોંચ્યાં, ત્યારે અસહ્ય વિરહની ચરમસીમાએ તેમના કાંપતા હોઠોથી અત્યંત ભાવુક પંક્તિઓ સરી પડી:

‘આ કાયા, આ શ્વાસ અને આ અસ્તિત્વ... માત્ર ને માત્ર તારા માટે જ સર્જાયા છે. 
હે નાથ! કોઈ નાશવંત માનવી જો મને સ્પર્શ પણ કરે, તો આ પ્રાણ તત્કાળ છૂટી જશે. 
વાદળોને પૂછી જો, મારી આંખો હવે તારી પ્રતિક્ષામાં સુકાઈ ગઈ છે, મારા વિરહની આગ હવે મને ભસ્મ કરી રહી છે... 

હે મારા શ્રીરંગમના સ્વામી! 
હવે આ તડપતી દાસીને તારા અનંત તેજમાં સમાવી લે...’

આ કવિતાના અંતિમ શબ્દો હજુ તો હવામાં ગુંજતા જ હતા, ત્યાં જ આંખોમાં જન્મોજન્મની પ્રતિક્ષા અને હોઠો પર સ્મિત સાથે, દુલ્હન બનેલી આંડાળે ભગવાન રંગનાથની મૂર્તિ તરફ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. ભગવાન રંગનાથની મૂર્તિ તરફ પગલું માંડ્યું, ત્યારે જ એક દિવ્ય અને આંખોને આંજી દેતો પ્રકાશ પથરાયો. એક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો અને જ્યારે તે પ્રકાશ હળવો થયો, ત્યારે ગર્ભગૃહમાં રંગનાથની મૂર્તિ સિવાય કોઈ નહોતું! આ પૃથ્વીની ક્ધયા એ પાષાણની મૂર્તિમાં હંમેશ માટે સમાઈ ગઈ.

 શ્રીવિલ્લિપુત્તુરમાં આંડાળનું ભવ્ય મંદિર છે, જ્યાં 192 ફૂટ ઊંચું ગોપુરમ આજે તમિળ સંસ્કૃતિની ઓળખ બનીને ઊભું છે અને જ્યાં દર વર્ષે માગશર મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ તિરુપ્પાવૈનું પઠન કરે છે. 

શું તે ખરેખર કોઈ દૈવી શક્તિ હતાં કે પછી પ્રેમની પરાકાષ્ઠાએ ભૌતિક દેહને ઓગાળી દીધો? આ રહસ્ય પર આજે પણ કાળનો પડદો પડેલો છે. પાછળ રહી ગઈ માત્ર તુલસીપત્રની શાશ્વત સુગંધ અને હવામાં ગુંજતી તેમની પ્રેમભરી કવિતાઓ. આજે બારસો વર્ષ પછી પણ જ્યારે કોઈ સ્ત્રી પોતાના હૃદયની વાત નિર્ભયપણે વ્યક્ત કરે છે, ત્યારે રાતના નીરવ અંધકારમાં શ્રીરંગમ મંદિરના ગર્ભગૃહના પટાંગણમાં તુલસીની સુગંધ અને અદૃશ્ય ઝાંઝરનો રણકાર આંડાળના શાશ્વત પ્રેમની સાક્ષી પૂરે છે.