સર્જકના સથવારે - રમેશ પુરોહિત
ગયા સપ્તાહે આપણે ગુજરાતીના બહુઆયામી ગઝલકાર સૈફ પાલનપુરીની સર્જનલીલાની વાત શરૂ કરી હતી. શયદા સાહેબની હાજરીમાં શૂન્ય, બેફામ, હરીન્દ્ર દવે અને સૈફ જેવા માતબર કવિઓ ગઝલને નવા રૂપ રંગ આપી રહ્યા હતા અને મરીઝ ગઝલના નવા માહોલમાં ગઝલને ગુજરાતણ બનાવી રહ્યા હતા ત્યારે ગઝલની મુખ્ય સર્જનભૂમિ મુંબઈ હતું. સૈફ, બદરી કાચવાલા શયદાને અનુસરીને પોતાના સામયિકોમાં પણ ગઝલને ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
સૈફભાઈએ જીવન-મૃત્યુની મીમાંસા ગઝલના રૂપ-રંગને અબાધિત રાખીને કરી છે અને દરેક શેરને યાદગાર બનાવ્યો છે, જેમ કે એમનો આ પ્રખ્યાત શેર:
જીવનની હકીકત પૂછો છો? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અઘરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે?
જીવનનું વિવેચન કોણ કરે? કહેવું ખૂબ જ મુશ્કેલ છે. માનવીનું જીવન જિવાતું હોય ત્યારે એના વિશે કંઈ પણ મત બાંધવો એ અધૂરાં પુસ્તક વિશે કહેવા જેવું છે. આપણો અનુભવ છે કે જીવનનો પ્રવાહ ક્યારેક એકધાર કે એક દિશામાં હોતો નથી. એના વહેણ ક્યારે બદલાય તે પણ કહી શકાતું નથી. આથી જીવનનું આ પ્રકારનું સચોટ દર્શન વિચારના એકમાત્ર ઝબકારામાં શેરની ફક્ત બે પંક્તિમાં કરાવી આપનાર શાયરની પ્રતિભા કેટલી પ્રબળ હશે એનો ખ્યાલ આવે છે.
સૈફ સૅન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા ત્યારે આપણા વિદ્વાન પ્રોફેસર અને કવિ ભાનુ શંકર વ્યાસ ‘બાદરાયણ’ના વિદ્યાર્થી હતા. ભાનુભાઈએ એમને ગુજરાતીનો નાદ લગાડ્યો નહીંતર સૈફ ઉર્દૂમાં જ ગઝલ લખતા હતા. અન્ે હજારો ઉર્દૂ શેર એમને હૈયે અને હોઠે હતાં. પછી તો સૈફભાઈએ ગુજરાતી મુખ્ય અને પર્સિયન ગૌણ વિષય લઈને બી.એ. પાસ કર્યું. આ 1945ની સાલ હતી.
સૈફભાઈએ ગુજરાતી ગઝલ ત્યારે આટલી હદે સ્વીકારાઈ ન હતી એટલે મહાભારતનું રૂપ આપીને કહ્યું હતું કે: ‘ગુજરાતી ગઝલની સ્થિતિ દ્રૌપદી જેવી છે. એના ચીર ખેંચાયા જ કરે છે, છતાં એનું સતીત્વ કાયમ જ રહે છે અને રહેવાનું જ છે.’
સૈફને કોઈ શાયર મિત્રે એવું ઠસાવ્યું કે તમે નઝમો સારી લખો છો. સૈફે ઘણી જ સારી નઝમો લખી અને આ રીતે એક નવું પરિશીલન જન્મ્યું. આમ છતાં ભલું થજો ‘બેગમ’ના તંત્રી અમીરીનું કે એમણે સૈફને પાછા ગઝલો લખતા કરી દીધા.
ગીત અને ગઝલ વચ્ચે ઘણો ભેદ છે. ગઝલમાં કાફિયા-રદીફ (પ્રાસ-અનુપ્રાસ) અને છંદો હોવા અનિવાર્ય છે તેવી રીતે ગીતમાં લય, પ્રાસ, અનુપ્રાસના વાઘા હોય છે. હવે ધીરે ધીરે ગીતમાં ટેક કે ગઝલમાં એક જ રદીફ કાફિયાનો પ્રબંધ અનિવાર્ય નથી. હવે સળંગ ગઝલ જેવા ગીત અને ગીતનુમા ગઝલો સર્વમાન્ય થતી જાય છે. બન્નેના નિજી લ્હેજા પણ અલગ રહ્યા નથી. ગીત અને ગઝલમાં ગેયતા અને ઊર્મિમયતા તો જરૂરી છે, પણ બન્નેમાં ‘તગઝ્ઝુલ’ એટલે રંગીનતા જરૂરી બન્યાં છે. લયથી અધિક ભાવ અને વિચારનું સંગીત, ધ્વનિ, વર્ણન, છટા, કોમળતા એ બન્ને કાવ્યપ્રકારોની વિશેષતા છે જેની શાસ્ત્રીય ચર્ચા શહાબ સહમદી જેવા લેખકોએ સવિસ્તાર કરી છે. સૈફ પાલનપુરી પાસે ગઝલ અને નઝમ આ બધી વિશેષતાઓનો સાથ હતો એટલે એમની રચનાઓ લોક જીભે અને લોક હૈયે વસી ગઈ હતી. જેમ કે સૂનો ઝરૂખો:
શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી
મેં એક શાહજાદી જોઈ હતી.
એના હાથની મ્હેંદી હસતી’તી
એની આંખનું કાજલ હસતું’તું
એક નાનું સરખું ઉપવન જાણે,
મોસમ જોઈ વિક્સતું’તું.
એને યૌવનની આશિષ હતી
એની સર્વ બલાઓ દૂર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતુર હતી.
આમ એક અજાણી શાહજાદીના રૂપનું વર્ણન કરીને સૈફ નઝમના અંતમાં એક વળાંક આપે છે તે પણ કવિકર્મની કસોટી માગી લે છે.
વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે ત્યાં ગીત નથી-સંગીત નથી- ત્યાં પગરવ સાથે પ્રીત નથી -ત્યાં સ્વપ્નાંઓના મહેલ નથી- ને ઊર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે
બહુ વસમું વસમું લાગે છે
એ નો’તી મારી પ્રેમિકા કે નો’તી મારી દુલ્હન
મેં તો એને માત્ર ઝરૂખે વાટ નીરખતી જોઈ હતી.
ગઝલમાં વિચારની અથવા ચિંતનની ઝાંખી હોય છે. કવિ જે જીવન જીવે છે, જે જુએ છે, વાંચે છે, અનુભવે છે અને એમાંથી એક રસાયણ બનીને અનુભૂતિરૂપે શબ્દોમાં વ્યકત પણ થાય છે જેને આપણે ‘તસવ્વુફ’ એટલે કે અધ્યાત્મનો રંગ કહીએ છીએ. સૈફભાઈ જીવન-મૃત્યુ વિશે ચિંતનનો સ્પર્શ પામેલી ગઝલો અને નઝમો આપે છે. એમાં વિચારનો તંતુ ક્યારેક બોલકો, ક્યારેક બારીક તો ક્યારેક પાતળો હોય છે. થોડાંક ઉદાહરણ જોઈએ:
હોય કડવાશ ભલે ઘૂંટ ભરી તો લઈએ
આંસુઓ માફ કરો-સહેજ હસી તો લઈએ
કાલ જે નામ લઈ આંખ થવાની જ છે બંધ
આજ એ નામ લઈ સહેજ જીવી તો લઈએ.
અને ગમતાં બધાં અરમાન પણ સાથે જ હશે
ને મનસ્વી એના ફરમાન પણ સાથે જ હશે
મારા જીવનની શરૂઆતથી સંગાથમાં છે
હું મરી જઈશ તો ભગવાન પણ સાથે જ હશે.
હતો એક સમય જ્યારે જીવનની સાથે
મને પણ હતી ‘સૈફ’ બહુ સારાસારી
હવે પારકો એને લાગી રહ્યો છું
મને પણ હવે એની ક્યા કંઈ પડી છે
જિંદગીએ હસીને કહ્યું મોતને
આપણી વચ્ચે કેવી રમત થઈ ગઈ.
‘સૈફ’ જીવનનો સાથ તો છે પ્રસંગ પૂરતો શિષ્ટાચાર
વાત અલગ છે મૃત્યુની હંમેશનો એ સથવારો છે.
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
રૂદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.
‘સૈફ’ કબર પર આ ચોમાસે લીલું ઘાસ છવાયું
મોડે મોડે પણ તમને થઈ કેવી લીલાલહેર.
કોઈ પારકા ઘરે જઈ ચઢીશ
એવો ડર હતો મને સૈફ પણ
મારી જિંદગી મને લઈ ગઈ,
બહુ સાચવીને મરણ સુધી.
જીવન-મૃત્યુના ચિંતનનો ચિતાર આપતા સૈફના આ શેરોમાં વ્યથા, પીડા કે વ્યગ્રતા નથી. જીવનની હળવાશ છે એવી મૃત્યુની અનિદાર્યતાનો સ્વીકાર પણ છે.
ગઝલનો સૌથી પ્રાણદાન વિષય પ્રેમની વાત ગઝલમાં આવવાની અને પ્રેમ સાથે પગ દબાવી ને આવતા વિરહના પગલે આંસુઓનું આગમન પણ કાયમ રહેવાનું. સૈફ પ્રિયતમા સાથે સીધી વાત કરે છે. સૌંદર્યનું વર્ણન કરે છે પણ ગઝલની સાથે જોડાયેલી શબ્દોની નજાકત સૈફની વિશેષતા છે. થોડાંક ઉદાહરણ જોઈએ:
નશીલી આ રાતો, મધુરાં આ સ્વપ્નાં
અને આ ચમકતા નભે ચાંદતારા
તમારા જ દર્શનની ફરમાઈશો છે-
છે બેચેન કુદરતના મોઘમ ઈશારા
હવે જાણી જોઈને પાલવ સરકશે
હવે જાણી જોઈ લટો પણ વિખરશે
હવે મોસમો વિણ વસંતો પ્રગટશે
કે વહેતી થઈ છે જવાનીની ધારા
કોઈ જો સહેજ છેડે છે તો એ શરમાઈ જાએ છે
તમે દિલમાં વસ્યા તો થઈ ગયું દિલ પણ દુલ્હન જેવું
પ્રેમ કેટલો છે કે કેવો છે એ જાણવાની કોઈ પારાશીશી નથી હોતી, પણ વિરહની માત્રા, શબ્દોની તીવ્રતા અને વેધકતાથી નક્કી થઈ જાય છે. જેમ કે:
તમે આવી શકો એ તો વિષય આસ્થાનો છે
તમે આવી ગયા એ તો પ્રસંગ એક વાર્તાનો છે
સમયનું કોઈ બંધન હોય ના એવું વચન આપો
મને હંમેશ બસ લાગે કે અવસર આવવાનો છે.
ખુશીની ગુફતગૂ દિલ સાથે કરતાં પણ ડરું છું હું
એ દાઝેલું છે ખુદ મારા પર વહેમાઈ જાએ છે.
ક્યારેક રૂપનું અને પ્રકૃતિનું વર્ણન એકબીજાના પૂરક થઈ જાય છે. સાયુજ્ય સધાય છે જેમકે:
વિખરાઈ હશે કોઈની લટો એથી જ તો ખુશ્બૂ છે ચોગમ
આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.
એક હવામાં લહેરાતી ચૂંદડી મને જોઈ ડાહી બની ગઈ
મને પહેલાં લાગ્યું વિવેક છે પછી જાણ્યું કે આ તો પ્યાર છે.
દિવસ સમજીને હસવાનો અભિનય તો કરો છો પણ
નજર સામે કોઈની ઝુલ્ફ લહેરાશે તો શું કરશો?
રહેવા દે પવન તું રહેવા દે
વિખરાયેલ લટોને ગાલો પર
પાગલ આ ગુલાબી મોસમમાં,
વાદળનું વિસર્જન કોણ કરે.