સર્જકના સથવારે - રમેશ પુરોહિત
સૈફુદ્દીન ગુલામઅલી ખારાવાલાને તમે ઓળખો છો? ઉત્તર તો નકારમાં જ હોવાનો પણ સૈફ પાલનપુરીનું નામ લઇએ તો તમે આપોઆપ ઝૂમી ઊઠશો. પાલનપુર આઝાદી પહેલાં નવાબી રાજ્ય હતું. ઉર્દૂ તેહઝીબનું વાતાવરણ રજવાડાને લીધે હતું. એ ભૂમિએ આપણને સમર્થ રજવાડાને લીધે હતું. એ ભૂમિએ આપણને સમર્થ ગઝલકારો, લેખકો અને રત્નપારખુ વેપારીઓ આપ્યા છે. આના ગઝલકારોમાં મુખ્ય નામ છે શૂન્ય પાલનપુરી. શૂન્ય જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે ભલભલા ઉર્દૂશાયરની છૂટ્ટી કરી દે એવી ઉર્દૂ ગઝલ લખતા હતા. અમૃત ઘાયલ એમના સમકાલીન. એક દિવસ ઘાયલ સાહેબે શૂન્યની ડાયરી જોઇ. ગઝલ ઉર્દૂમાં હતી પણ દરરોજની રોજનીશી ગુજરાતીમાં લખતા. ઘાયલે કહ્યું `શૂન્ય તમારા જેવા શાયરની ગુજરાતી ગઝલને જરૂર છે.' પછી બન્ને પાજોદ દરબાહ રુસ્વા મઝલૂમીના રાજદરબારમાં મંત્રીઓ રહ્યા અને રુસ્વા સાહેબ સાથે ગુજરાતી ગઝલનો આ ત્રણેય જણનો ત્રિવેણી સંગમ થયો. સૈફ શયદાની પેઢીના ગઝલકાર પણ ઊર્મિ અને ભાવનાની વાત કરીએ તો બધા કરતા આગળ.
પાલનપુરમાંથી મુંબઇ આવીને વ્યાપાર બિઝનેસમાં સ્થાન જમાવીને સુખી સંપન્ન બનેલા દાઉદી વહોરા ખાનદાનમાં સૈફનો જન્મ 30-8-1923ના રોજ થયો હતો. મુંબઇમાં ઉછેર થયો. એ વખતની પ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બી. એ. થયા. સ્વભાવ નફકરો અને ખાનદાની જાહોજલાલી એટલે એ વ્યવસાય પ્રત્યે આકર્ષાયા નહીં.
સૈફના વાલીદને શયદા સાહેબ સાથે ભાઇબંધી એટલે એ સાંજના સમયે મળવા કાપડની દુકાને આવે. ક્યારેક સારા શેર સંભળાવે. સૈફ એ દુનિયામાં ખોવાઇ જાય અને શેર સાંભળ્યા કરે. ધીરે ધીરે શયદાના કહેવાથી ગુજરાતીમાં સાંભળ્યા કરે. ધીરે ધીરે શયદાના કહેવાથી ગુજરાતીમાં લખતા થયા.
શૂન્યની જેમ સૈફ પણ શરૂઆતમાં ઉર્દૂમાં ગઝલો કહેતા. ઉર્દૂ શાયરીનો ઊંડો અભ્યાસ અને તીક્ષ્ણ યાદશક્તિ એટલે સૈફ મુશાયરોનું સંચાલન કરે ત્યારે ઉર્દૂ-ગુજરાતીના મોટાભાગના શાયરોમાં શેરોનો રીતસરનો ધોધ વહેવા માંડે અને શ્રોતાઓના એકાગ્રતાથી સૈફને માણે. ગઝલની રજૂઆત હોય કે નઝમની પણ સૈફના આરોહ-અવરોહ, લહેકા, મસ્તી અને અદાઓથી અને સદાઓથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા.
સૈફે `બે ઘડી મોજ' નામના શયદાના સાપ્તાહિકમાં `બઝમે શાએરી' નામની કોલમ શરૂ કરી અને વર્ષો સુધી સારી સારી ઉર્દૂ કવિતાની રસલ્હાણ કરાવી. આવી રીતે સૈફ કવિતાના ચાહકો અને ભાવકો સુધી પહોંચી ગયા.
સૈફ સારા કવિ હતા તેવા જ સારા પત્રકાર હતા. `બેગમ' અને `વતન' જેવા જમાનાના મશહૂર સાપ્તાહિકોમાં તંત્રી રહ્યા. `જનશક્તિ'માં હરીન્દ્ર દવે તંત્રી હતા ત્યારે કામ કર્યું અને કવિતા-ગઝલ પર સાપ્તાહિક કોલમ ચાલુ કરી જે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની ગઇ. છેલ્લે `જન્મભૂમિ-પ્રવાસી'ના તંત્રી વિભાગમાં હતા. આમ પત્રકારત્વ એમની ગઝલને ઉપકારક થયું અને પત્રકારત્વને એમની સર્જનશક્તિનો લાભ મળ્યો.
બહુ સરસ ગઝલો લખી પણ નઝમના એ બાદશાહ હતા. એમની `તાજ મહલ', `નર્તિકા,' `હિમાલય', `ઝરૂખો' જેવી ભાવવાહી નઝમો આજે પણ એટલી જ લોકભોગ્ય અને લોકપ્રિય છે. આપણા મહાન ગાયકોએ સૈફભાઇની નઝમોને કંઠ આપીને વધારે લોકો સુધી પહોંચાડી છે.
ગઝલમાં એમણે છંદવિધાનમાં અનેક પ્રયોગો કર્યા છે. ગઝલના છંદના વિવિધ સ્તંભોનો ઉપયોગ કર્યો છે, તો ઘણી વખત બહેરોને બેવડાવવાના પ્રયોગો કર્યા છે.
જેમ કે :
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો 'તો,
આ એની અસર છે કે હું કરમાઇ રહ્યો છું.
*
તારા મુખ ઉપર મારા મન ઉપર
શું ગજબનો આજે નિખાર છે
મને એમ લાગે છે જાણે કે
આજે જગની પહેલી સવાર છે.
*
જીવનની સમી સાંજે મારે, ઝખ્મોની યાદી જોવી'તી
બહુ ઓછાં પાનાં જોઇ શકયો, બહુ અંગત અંગત નામ હતા
*
ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો-શું આંસુના પણ, નામ હતા.
સૈફમાં એક રમતિયાળ જીવ હતો. જીવનની મસ્તી હતી. મુશાયરાઓની મહેફિલો રાતભર ચાલે અને પ્રવૃત્તિ ગામડાંઓ સુધી પહોંચાડી પણ જયારે જુઓ ત્યારે સૈફનો પ્રભાવી અને ભરાવદાર ચહેરો હસતો જ દેખાય. ભાવ, ભાવના અને લાગણીનાં સ્પંદનો સદાય ફૂટતા રહે. એથી જ એમણે કહ્યું છે કે :
આથી દુનિયાથી અબોલા ભલે રાખું ક્નિતુ
એક ઊર્મિ જો મળી જાય તરત વાત કરું
ગઝલ-નઝમના આ બાદશાહ બહુ જ સારા નવલકથાકાર હતા. કોલેજ જીવનની એમની નવલકથાઓ બહુ જ પ્રખ્યાત થઇ હતી.
સૈફભાઇ પાસે ગઝલનો રંગ અને રવાની હતા. શબ્દોના પુનરાવર્તનથી, ધ્વનિશ્લેષથી, અમૂર્તને મૂર્તિ સ્વરૂપ આપવાની રસાવહતાને કારણે સૈફ પાલનપુરી ગુજરાતી ગઝલના ભાતીગળ ઇતિહાસમાં ઘણું જ પ્યારું અને લાડીલું નામ છે. એમની રચનાઓને જ બોલવા દઇએ તો સૈફની ગઝલ સૌન્દર્યની રંગનીનો ખ્યાલ આવશે. જેમ કે...
કોઇ સ્મિતે સ્મિતે સળગે છે
કોઇ રડીને દિલ બહેલાવે છે
કોઇ ટીપે ટીપે તરસે છે
કોઇ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે.
*
વાતાવરણનો રંગ ગજબનો ફરી ગયો
રજ રજને જાણે એક બગીચો મળી ગયો
બોલાયું મારું નામ ને સર્જાયો એક પ્રસંગ
માથેથી એક દુપટ્ટો અચાનક સરી પડયો
ચોટ સાધવાની અને શબ્દોની પસંદગી વિશે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે જેમ કે,
કોઇના ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે
સ્મિત ને આંસુ બન્નેમાંથી જોઇએ કોનો વારો છે
*
એ જ વખત બસ હોય છે એનું પૂરતું ધ્યાન અમારા પર
એટલે અમને એના કરતાં એનો ગુસ્સો પ્યારો છે
પરંપરાગત રૂપકોથી પણ ગઝલ આધુનિક જમાનાની રગ પારખી શકે છે. એક જ શેરમાં આખી દુનિયા સમેટી લેવાનું લાવણ્ય, બોલચાલની ભાષા, કાકુ વગેરે મહત્ત્વનાં પરિબળો છે. ગઝલ જયારે ફૂલ વરસાવે ત્યારે ચેતવા જેવું છે, કારણકે આ ફૂલદડે રમતી ગઝલ મર્મને ભેદી શકતી હોય છે. મીર-તકી. મીરના જમાનામાં મોગલ સલ્તનતના અસ્ત પછી દિલ્હી ઉજજડ બની ગઇ. ત્યારે મીરના સમકાલીન શાયર મુસહફીએ લખનઊમાં આશરો લીધો હતો. લાલચટક ખીલેલાં પુષ્પોની પાછળ રહેલી પીળાશ (જર્દી) તેમણે પારખી હતી. આવા એક શેરમાં તે કહે છે:
હર ગુલ કે રંગ -એ-સુર્ખ મેં જર્દીકી તહસી હૈ
ભૂલા ચમન કો સદમા-એ-બાદ-એ ખજાં નહીં.
હરેક ગુલની લાલીમાં પીળાશ ભળી ગઇ હોય એમ લાગે છે. વિસ્તરાયેલા બાગને ઝંઝાવાતે પહોંચાડેલા આઘાતનું દુ:ખ નથી. ગુલોમાં છુપાયેલી કરુણતા, ખુશ્બોમાં ખીલેલાં ફૂલો પાછળના આંસુઓની વાત સૈફભાઇ એમની લાક્ષણિક ઢબે આ રીતે કહે છે :
ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતા, ઊર્મિમાં ડૂબેલા જામ હતા
શું આંસુનો ભૂતકાળ હતો શું આંસુનાં પણ નામ હતાં
મરણની તારીખ નક્કી નથી. એટલે ઘણાં કામ પૂરાં થતા નથી. એમને ખુલાસા કરવા હતા, ફરિયાદ કરવી હતી પણ એ કામ અધૂરાં રહ્યાં. દરેકની વેદનાને વાચા આપતો શેર જુઓ :
થોડાક ખુલાસા કરવા'તા થોડીક શિકાયત કરવી'તી
ઓ મોત જરા રોકાઇ જતે, બે ચાર મને પણ કામ હતાં
સૈફભાઇ કોઇનું નામ પાડયા વગર અંગત શબ્દની સાર્થક પુનરુક્તિ કરીને આપણા બધાના અનુભવને વાચા આપે છે:
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી,
બહુ ઓછાં પાનાં જોઇ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
સૈફમાં પ્રેમની મસ્તી હતી. અલગારી સ્વભાવ હતો અને સૌથી ઉત્તમ ખુબી એ છે જાણે કંઇ જ બન્યું નથી એવી રીતે વાત પેશ કરવાની આવડત હતી. જેનું ઉદાહરણ આ શેર છે.
હું ચાંદની રાતે નીકળ્યો'તો ને મારી સફર ચર્ચાઇ ગઇ
કંઇ મંઝિલ પણ મશહૂર હતી, કંઇ રસ્તા પણ બદનામ હતા
સૈફભાઇ જેવા મોટા ગજાના શાયરના પ્રદાનની વાત આ નાનકડી કોલમમાં આજે પૂરી થઇ ના શકે. આવતા રવિવારે વાત પૂરી કરીશું.