Sun Sep 06 2026

Logo

અમદાવાદની સાબરમતી નદી કરાશે ખાલી, જાણો શું છે કારણ

2026-04-04 13:54:00
Author: Mayur Patel
અમદાવાદની સાબરમતી નદી કરાશે ખાલી, જાણો શું છે કારણ

અમદાવાદઃ શહેરની શાન સમી સાબરમતી નદી ખાલી કરવામાં આવશે. સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 30 પૈકી 18 દરવાજાનું સમારકામ કરવામાં આવશે. જેના માટે 15 એપ્રિલથી નદીને આંશિક રીતે ખાલી કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ સાથે જ, સુભાષ બ્રિજના હાલના માળખાને તોડી પાડ્યા બાદ ત્યાં નવા સ્પાનનું કામ પણ શરૂ કરવામાં આવશે. સત્તાધીશોનું લક્ષ્ય આગામી 60 દિવસમાં મોટાભાગની કામગીરી પૂર્ણ કરવાનું છે.

આ પ્રક્રિયાના ભાગરૂપે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદીના હેઠવાસમાં 90 લાખથી 1 કરોડ લિટર પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. જોકે, અગાઉના વર્ષોની સરખામણીએ આ વખતે નદીની સફાઈ માટે કોઈ મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા જણાતી નથી.

દરવાજા બદલવા અને સમારકામનું કામ 15 એપ્રિલથી શરૂ થવાનું છે, જે 15 જૂનની આસપાસ ચોમાસું બેસે તે પહેલાં 60 દિવસમાં પૂર્ણ કરવું અનિવાર્ય છે. નદીમાં પાણી ન હોવાથી સુકાઈ જવાની સ્થિતિમાં આસપાસના 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને દુર્ગંધ અને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

મળતી માહિતી મુજબ, વાસણા બેરેજના 18 દરવાજા બદલવા અને તેના સમારકામ માટે ₹9 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નદીને 1 એપ્રિલ સુધીમાં ખાલી કરવાનું આયોજન હોવાથી, ઉપરવાસમાંથી આવતા પાણીનો પુરવઠો 26 માર્ચથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો.