Mon Sep 14 2026

Logo

ખામેનીના હત્યાથી રશિયા-ચીન લાલધૂમ: યુએસ અને ઈઝરાયેલની આકરી ટીકા કરી

2026-03-01 20:20:45
Author: Savan Zalariya
ખામેનીના હત્યાથી રશિયા-ચીન લાલધૂમ: યુએસ અને ઈઝરાયેલની આકરી ટીકા કરી

લાંબા સમયથી ચાલતા તણાવ બાદ ગઈ કાલે શનિવારે યુએસ અને ઇઝરાયલે ઈરાન પર લશ્કરી કાર્યવાહી શરુ કરી હતી. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યું નીપજ્યું હતું, જેના પ્રતીઘાતો દુનિયાભરમાં પડી રહ્યા છે. એવામાં ઈરાનના મિત્ર દેશો રશિયા અને ચીને યુએસ અને ઇઝરાયલની આકરી ટીકા કરી છે. ચીન અને રશિયાએ લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરી છે.

રશિયાએ શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખામેનીની હત્યાને અનૈતિક અને તમામ આંતરરાષ્ટ્રીય કાયદાનું  ઉલ્લંઘન ગણાવ્યું છે.

રશિયન સરકાર તરફથી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને સંબોધિને લખેલા એક પત્રમાં પુતિને ખામેની મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ખામેનીને રશિયન-ઈરાનના મૈત્રીપૂર્ણ સંબંધોના વિકાસમાં મહત્વનું વ્યક્તિગત યોગદાન આપનાર ઉત્કૃષ્ટ ઈરાની રાજનેતા તરીકે ઓળખવામાં આવશે.

પુતિને પેઝેશ્કિયનને લખ્યું, "ઈરાનના સર્વોચ્ચ નેતાના કુટુંબીજનો અને પ્રિયજનો, સરકાર અને ઈરાનના સમગ્ર લોકો પ્રત્યે હું નિષ્ઠાથી સહાનુભૂતિ અને સમર્થન વ્યક્ત કરું છું.”

અગાઉ શનિવારે રશિયાએ યુએસ-ઇઝરાયલના ઈરાન પર હુમલાને વખોડી કાઢ્યા હતાં અને મધ્યપૂર્વ પ્રાદેશિક આપત્તિ તરફ દોરી જનારા ગણાવ્યા હતાં. રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાત કરી હતી. 

ચીને શું કહ્યું?

ચીને પણ યુએસ અને ઇઝરાયલની ટીકા કરી છે. અહેવાલ મુજબ ચીને ખામેનીની હત્યાને ઈરાનના સાર્વભૌમત્વ અને સુરક્ષાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું. ચીને જણાવ્યું કે યુએન ચાર્ટરના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત ધોરણોને કચડી નાખવામાં આવ્યા છે.
ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, "ચીન આ હુમલાને સખત રીતે વખોડી કાઢે છે, લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવી જોઈએ." 

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ સાથે મધ્યપૂર્વની સ્થિતિ નાગે અંગે ફોન પર વાત કરી હતી. અહેવાલ મુજબ વાતચીત દરમિયાન વાંગ યીએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ દ્વારા એક સાર્વભૌમ દેશના નેતાની નિર્લજ્જ રીતે હત્યા કરી અને શાસન પરિવર્તન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એ અસ્વીકાર્ય છે.

વધુ જુઓ...