Fri Sep 11 2026

Logo

‘ગૉડમૅન’ અશોક ખરાતના કેસમાં રૂપાલી ચાકણકરની બહેનની પૂછપરછ

2026-04-13 17:20:44
Author: યોગેશ સી પટેલ
‘ગૉડમૅન’ અશોક ખરાતના કેસમાં રૂપાલી ચાકણકરની બહેનની પૂછપરછ

મુંબઈ: એનસીપીની નેતા અને ભૂતપૂર્વ મહિલા પંચની અધ્યક્ષ રૂપાલી ચાકણકરની સોમવારે અહિલ્યાનગર પોલીસે પૂછપરછ કરી હતી. મહિલા સાથે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલો નાશિકનો ‘ગૉડમૅન’ અશોક ખરાત રૂપાલી ચાકણકરની બહેનના બૅન્ક ખાતાનો કથિત રીતે ઉપયોગ કરતો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે પૂછપરછ માટે સોમવારે પ્રતિભા ચાકણકરને અહિલ્યાનગરના શિર્ડી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી હતી. સવારે પોલીસ સ્ટેશને પહોંચેલી પ્રતિભાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

ખરાતે બે ક્રેડિટ સોસાયટીમાં અલગ અલગ નામે 132 ખાતાં ખોલાવ્યાં હતાં અને આ ખાતાઓમાં 62.74 કરોડ રૂપિયાના વ્યવહાર થયા હતા. આમાંથી એક ખાતું પ્રતિભા ચાકણકરના નામે ખોલવામાં આવ્યું હતું, જે ખરાત ઑપરેટ કરતો હતો. આ બધાં ખાતાંમાં નોમિની તરીકે ખરાતનું નામ હતું. બૅન્ક ખાતાં ખોલાવતી વખતે વિગતોના ભાગ રૂપે ખરાતનો મોબાઈલ નંબર નોંધવામાં આવતો હતો, એવી માહિતી અધિકારીએ આપી હતી.

શિર્ડીમાં અશોક ખરાત, તેની પત્ની કલ્પના ખરાત અને અન્ય ત્રણ જણ વિરુદ્ધ નોંધાયેલા જમીન પચાવી પાડવાના કેસની તપાસ દરમિયાન આ બૅન્ક ખાતાં અને તેમાં થયેલા આર્થિક વ્યવહારોની વિગતો સામે આવી હતી. શિર્ડીમાં રહેતા જમીનમાલિકને 5.52 કરોડ રૂપિયાની લોન આપવાના નામ હેઠળ પાંચેય આરોપી જમીન હડપી લીધી હતી.

આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે કલ્પના ખરાત અને અન્ય એક આરોપી ફરાર છે. કલ્પના દેશ બહાર જતી રહેવાની શક્યતાને જોતાં અહિલ્યાનગર પોલીસે તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યું હતું.ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન મહિલા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં 18 માર્ચે અશોક ખરાતની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખરાતના અન્ય કારનામા પણ સામે આવ્યા હતા. મહિલાઓનું જાતીય શોષણ, જમીન પચાવી પાડવી, આર્થિક ગેરરીતિઓ તેમ જ બ્લૅક મૅજિક અને અન્ય માર્ગે છેતરપિંડીમાં ખરાતનું નામ સંડોવાયું હતું. (પીટીઆઈ)