Wed Sep 02 2026

Logo

જંતર-મંતરના વિરોધ પાછળ વિદેશી શક્તિઓ? RSS નેતાના નિવેદને મચાવ્યો ખળભળાટ

2026-07-24 16:49:56
Author: Mumbai Samachar Team
જંતર-મંતરના વિરોધ પાછળ વિદેશી શક્તિઓ? RSS નેતાના નિવેદને મચાવ્યો ખળભળાટ

નવી દિલ્હી: જંતર-મંતર પર એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે RSSના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમાર હવે વિષયોની છણાવટ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન પાછળ તેમણે વિદેશી તાકાતની વાત કરીને ચર્ચાને નવો મુદ્દો આપ્યો છે. 

_વિદેશી તાકાત કામ કરે છે_

'કોકરોચ જનતા પાર્ટી' અને તેના સમર્થકોના નેતૃત્વ હેઠળના આંદોલન પાછળ વિદેશી તાકાતનો હાથ છે. આ  તાકાત ભારતને વિકસિત, મજબૂત અને શિક્ષિત રાષ્ટ્ર બનતું જોવા માંગતી નથી. આવી વાત તેમણે કરી છે. આ વિરોધ પ્રદર્શનો પાછળ સ્થાનિક અને વૈશ્વિક બંને પ્રકારની શક્તિઓ રહેલી છે જે ભારતના વિકાસ વિરુદ્ધ કામ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ શક્તિઓ નથી ઇચ્છતી કે ભારત એક મજબૂત, વિકસિત અને શિક્ષિત રાષ્ટ્ર બને. વિદેશી તાકાતનો ઉદ્દેશ્ય ભારતના વિકાસને રોકવાનો છે અને દેશને નબળો પાડવાનો છે. આવા તત્વો ભારતના શિક્ષણ, સમૃદ્ધિ, સુખાકારી અને સામાજિક સંવાદિતતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે. જંતર-મંતર પર વિરોધ કરી રહેલા યુવાનોને અપીલ કરતા, તેમણે તેમને સકારાત્મક માનસિકતા અપનાવવા અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા વિનંતી કરી. 

_દરેકની જવાબદારી_

તેમણે ભાર મૂક્યો કે યુવાનોની ઉર્જા દેશને નુકસાન પહોંચાડતી હિલચાલમાં નહીં, પરંતુ તેને આગળ વધારવા તરફ વાળવી જોઈએ. આ વાત એવા સમય આવી છે જ્યારે સોનમ વાંગચૂકના અનશન પૂરા થઈ ગયા છે. આજે ભારત લાખો સ્ટાર્ટઅપ્સ દ્વારા સમગ્ર વિશ્વ માટે એક રોલ મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વિકાસની આ યાત્રામાં દરેક વ્યક્તિએ સરકારને ટેકો આપવો જોઈએ અને દેશને વિકસિત રાષ્ટ્રમાં બદલવામાં જવાબદારી નિભાવવી જોઈએ.

_યુવાનો રાષ્ટ્ર સાથે ઊભા રહે_

આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે વૈશ્વિક શક્તિઓ ભારતના વિકાસ, શિક્ષણ, સમૃદ્ધિ અને સામાજિક સંવાદિતાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. આવા સમયમાં, યુવાનોએ રાષ્ટ્રની સાથે ઉભા રહેવું જોઈએ જેથી ભાવિ પેઢીઓ તેમનામાંથી પ્રેરણા મેળવી શકે.જો કોઈ વ્યક્તિ કંઈક સારું ન કરી શકે, તો તેણે ઓછામાં ઓછું નુકસાન ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બીજાને સારું કામ કરતા જોઈ શકતી નથી, તો તેણે તેને બગાડવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. તેમના મતે, આવું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે અને તેનાથી બચવું જોઈએ.