Mon Sep 07 2026

Logo

ભુજ અને રાપરમાં ઝરમર વરસાદથી માર્ગો ભીંજાયા: ૨૫ તારીખ પછી સાર્વત્રિક વરસાદની શક્યતા

2026-07-22 12:17:00
Author: Mumbai Samachar Team
ભુજ અને રાપરમાં ઝરમર વરસાદથી માર્ગો ભીંજાયા: ૨૫ તારીખ પછી સાર્વત્રિક વરસાદની શક્યતા

ભુજ:  કચ્છ જિલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે ભુજ અને રાપરમાં ઝરમર વરસાદી છાંટા પડતાં માર્ગો ભીંજાયા હતા. સરકારી ચોપડે રાપરમાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે જિલ્લા મથક ભુજમાં બપોરે હળવી બુંદાબાંધી થઈ હતી.

રાજ્ય પર સક્રિય મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કચ્છમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. જોકે, ધૂપ-છાંવના માહોલ વચ્ચે ઉકળાટ યથાવત્ રહ્યો હતો. કંડલા ૩૬ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક નોંધાયું હતું, જ્યારે ૩૪ ડિગ્રી સાથે ભુજ ત્રીજા નંબરે રહ્યું હતું.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી ૨૫ તારીખ પછી બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમની અસર તળે કચ્છમાં વરસાદનો નવો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ચાલુ મોસમમાં રણપ્રદેશ કચ્છ જિલ્લામાં હજુ સુધી મોસમનો સરેરાશ માંડ ૩ ટકા વરસાદ નોંધાયો છે. રાપર અને ગાંધીધામ સિવાયના મોટાભાગના તાલુકાઓમાં વરસાદનો આંકડો હજુ બે આંકડે પણ પહોંચ્યો નથી જે મોટી ચિંતાની બાબત છે.


(ઉત્સવ વૈદ્ય)