Sat Sep 12 2026

Logo

આરોગ્ય સુધારતું નહીં, બગાડતું ડ્રાયફ્રૂટઃ રાજકોટમાંથી 2000 કિલો જપ્ત

2026-05-21 18:28:48
Author: Pooja Shah
આરોગ્ય સુધારતું નહીં, બગાડતું ડ્રાયફ્રૂટઃ રાજકોટમાંથી 2000 કિલો જપ્ત

રાજકોટઃ ડ્રાયફ્રૂટ આપણે સ્વાદ કરતા વધારે આરોગ્ય માટે ખાતા હોઈએ છીએ અને બાળકોને ખવડાવતા હોઈએ છીએ, પરંતુ આ ડ્રાયફ્રૂટ યોગ્ય ગુણવત્તાનું ન હોય ત્યારે તે જોખમી બની જાય છે. રાજકોટ મનપાએ કરેલી કામગીરીમાં આવા જ સડી ગયેલા ડ્રાયફ્રૂટનો જથ્થો મળી આવ્યો હતો. 

શહેર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ મુકામે આવેલ "હીર એન્ટરપ્રાઇઝ" (ઉત્પાદક)પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ બદામ (ડ્રાયફ્રુટ)નો અંદાજિત 2,000 કી.ગ્રા જથ્થો સડેલો તથા જીવાત વાળો માલૂમ પડતા પેઢીમાં બદામની કતરણ પ્રોસેસિંગ કરી મીઠાઇ, આઈસક્રીમ તથા ગોલા જેવી ખાદ્યચીજોનો વિતરણ કરતાં વેપારીઓને વેચાણ કરતાં હોવાનું માલૂમ પડ્યું હતું.  

આ ઉત્પાદક પેઢીના ભાગીદાર પ્રદીપભાઇ દૂધાત્રાને સ્થળ પર પૂછપરછ કરતાં તેઓ ફૂડ લાઇસન્સ કે જીએસટી સર્ટિફિકેટ ધરાવતા ન હોવાનું જણાવ્યું હતું.  જે અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી,  તેમજ વેચાણ માટે રાખેલ જથ્થામાંથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બદામ (લૂઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. બાદમાં બદામનો જથ્થો માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તેવો આશરે 2,000 કિલોગ્રામ બદામનો જથ્થો સ્થળ પર એસડબલ્યુએમ શાખાના વાહનમાં નાશ કરવામાં આવ્યો હતો, તેમ વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું. 

ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના મવડી મેઇન રોડ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 16 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી  તેમજ ખાધ્યચીજોના કુલ 13 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.