Sat Sep 12 2026

Logo

જામનગરમાં રિવાબા જાડેજાનો અનોખો અંદાજ, ક્રિકેટરના પત્નીએ હાથમાં થામ્યું બેડમિન્ટન રેકેટ!

2026-06-12 22:00:32
Author: Vimal Prajapati
જામનગરમાં રિવાબા જાડેજાનો અનોખો અંદાજ, ક્રિકેટરના પત્નીએ હાથમાં થામ્યું બેડમિન્ટન રેકેટ!

જામનગર: જામનગરમાં રમતગમત અને ખેલકૂદને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના રાજ્ય પ્રધાન અને ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો એક અનોખો અને ઉત્સાહવર્ધક અંદાજ જોવા મળ્યો છે. રિવાબા જાડેજાએ પોતે બેડમિન્ટન રેકેટ હાથમાં થામીને કોર્ટ પર ઉતરી ખેલાડીઓ સાથે મેચ રમી અને પોતાના ખેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. આ તકે તેમણે રમતગમત પ્રત્યેની પોતાની રુચિ અને ઊંડો લગાવ સરાજાહેર રજૂ કર્યો હતો.

'રમતગમત એ માત્ર સ્પર્ધા નથી, શારીરિક-માનસિક વિકાસનું સાધન છે'

બેડમિન્ટન કોર્ટ પર ખેલાડીઓ સાથે રમીને રમતગમતની સાચી ભાવનાનો પરિચય આપવાની સાથે પ્રધાન રિવાબા જાડેજાએ યુવાધનને ફિટનેસનો ખાસ મંત્ર આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદની અને રમતવીરોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ‘રમતગમત એ માત્ર જીતવા કે હારવા માટેની સ્પર્ધાનું માધ્યમ નથી, પરંતુ તે મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ માટેનું એક અત્યંત મહત્વપૂર્ણ સાધન છે. રમત રમવાથી વ્યક્તિમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમ ભાવના જેવા ગુણો આપોઆપ વિકસે છે જે જીવનના દરેક તબક્કે કામ આવે છે’.

રમતગમતને પ્રોત્સાહન આપવા સરકાર પ્રતિબદ્ધ

રિવાબાએ જામનગર અને ગુજરાતના યુવાનોને નિયમિત રૂપે પોતાની દિનચર્યામાં કોઈપણ એક રમતગમતની પ્રવૃત્તિને સ્થાન આપવા અને ફિટ તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે ખાસ પ્રેરણા આપી હતી. ખેલાડીઓનો ઉત્સાહ વધારતા વિશ્વાસ અપાવ્યો અને કહ્યું કે, રાજ્યમાં રમતગમતના વિકાસ માટે અને સ્થાનિક કક્ષાએ ખેલાડીઓને વૈશ્વિક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. યુવાનોને શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખવા માટે મેદાન પર પરસેવો પાડવો માટે પણ કહ્યું હતું. 

જામનગરના આ કાર્યક્રમમાં રાજ્ય પ્રધાનની આ પ્રકારની સહજ અને રમતિયાળ પહેલને ત્યાં હાજર તમામ ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ ખૂબ જ બિરદાવી હતી. રિવાબાને પોતાની સાથે બેડમિન્ટન કોર્ટ પર રમતા જોઈને યુવા ખેલાડીઓ રોમાંચિત થઈ ગયા હતા અને તેમની સાથે વાતચીત કરીને ભવિષ્યમાં રમત ક્ષેત્રે વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મેળવી હતી.