Sun Jun 28 2026

Logo

નીચા ભાવોએ ખરીદીની તક ગુમાવે છે, કારણ: રોકાણકારોનો શક...

2026-06-28 08:25:00
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

આજે અનેક બાહ્ય અને આંતરિક અનિશ્ર્ચિતતાને લીધે દરેક રાજયમાં નવા રોકાણકારોની સંખ્યા ઘટી છે એનાં એક કરતાં વધુ કારણો જાણીને સમજવા જેવાં છે...

 

જયેશ ચિતલિયા

 

છેલ્લાં પાંચેક મહિનામાં વિશ્વમાં ઘણું નકારાત્મક કહી શકાય એવું બન્યું છે. અર્થતંત્ર અને માર્કેટ સામે પડકારો આવ્યા અને વધતા રહ્યા. યુએસ-ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લીધે સર્જાયેલા સંજોગોએ રિટેલ ઈન્વેસ્ટર્સનો ઈકિવટીઝમાં રોકાણ રસ ઓછાં કરી નાખ્યા. બરાબર રોકાણની તક ગણાય ત્યારે જ નવા રોકાણકારો બજાર પ્રવેશથી દૂર રહ્યા, કારણ કે તેમના મનમાં એક શક ઘર કરી ગયો, એ જ કે હાલ રોકાણ ન કરાય, કેમ કે મંદી છે અને આ મંદી લાંબી ચાલશે તેમ જ ભાવો હજી ઘટશે. નોંધનીય વાત એ છે કે અત્યારસુધી દર વરસે નવા રોકાણકારોને ઉમેરવામાં અગ્રસર રહેતાં રાજયો આ પાંચ મહિનામાં ઢીલા પડી ગયા છે, ખાસ કરીને ગુજરાત આ બાબતે ત્રીજા ક્રમેથી નવમાં ક્રમે આવી ગયું છે. સવાલ માત્ર ગુજરાતનો નથી, અન્ય અગ્રણી રાજયોમાં પણ નવા રોકાણકારોની સંખ્યા ઘટી છે. ગયા વરસે 2025માં ગુજરાત દર મહિને આશરે 1લાખથી વધુ નવા રોકાણકારો નોંધાવતું હતું, જે 2026માં દર મહિને ઘટવા લાગ્યું અને મે મહિનામાં તો પચાસ હજાર આસપાસ આવી ગયું. જોકે નવા રોકાણકારોની નોંધણી બાબતે ઘટાડો, છતાં પ્રથમ બે ક્રમમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જળવાઇ રહ્યા છે, જયારે કે ગુજરાત ત્રીજા સ્થાનેથી નવમાં સ્થાને ગયું અને વચ્ચેના સ્થાને પ.બંગાળ, બિહાર, તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશ આવી ગયા છે. ગુજરાત પછીના ક્રમે આંધ ્રપ્રદેશ, તેલંગણા અને દિલ્હી રહ્યા છે. અલબત્ત, નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો તો ઉત્તર પ્રદેશમાં 20 ટકા અને મહારાષ્ટ્રમાં 33 ટકા થયો છે, તેમ છતાં અન્ય રાજયોની પીછેહઠ સામે યુપી અને મહારાષ્ટ્રે પોતાના સ્થાન જાળવી રાખ્યા છે.

 

2026માં જાન્યુઆરીથી મે દરમ્યાનના પાંચ મહિનામાં સેન્સેકસ 12 ટકા અને નિફટી 10 ટકા નીચે ગયો. માર્કેટ એકધારું વોલેટાઇલ રહ્યું અને એફઆઈઆઇ નેટ સેલર્સ જ બની રહ્યા. જેને કારણે સ્થાનિક રિટેલ રોકાણકારો બજારથી દૂર રહેવું યોગ્ય લાગી શકે, પરંતુ એમ હોવું જોઈએ નહીં, કેમ કે વિદેશી રોકાણકારોના વેચાણના કારણ જુદાં હતાં અને છે, જયારે માર્કેટનું સત્ય એ છે કે મંદીનો સમય રોકાણનો ખરો સમય ગણાય, જયારે કે રોકાણકારો આ જ સમયમાં ભય અને નિરાશાથી દૂર થઈ જાય છે. જૂના રોકાણકારો ખોટને લીધે દૂર થાય એ અલગ વાત છે, પણ નવા રોકાણકારોએ તો નીચા ભાવે એન્ટ્રી લેવાની તક હતી. એક ધારણા એવી પણ છે કે યુદ્ધની અસરે મોંઘવારી વધવાના ભયને કારણે પણ બચતકારો સલામત સાધનો તરફ વળ્યા હતા અને એ સમયે સોના-ચાંદીમાં રોકાણ કરવા પ્રેરાયા તો બીજીબાજુ ઘણાં રોકાણકારો સલામતી માટે બેંક એફડી તરફ વળી ગયા.

 

એસઆઈપી બંધ ન કરાય, વધારાય...

 

યુએસ-ઈરાન વિવાદ પ્રકરણ ભલે હજી પૂર્ણપણે પૂરું થયું ન કહી શકાય. છેલ્લા ત્રણેક મહિનાથી આ યુદ્ધ અને તેની અસરોથી દુનિયાભરના દેશો ત્રસ્ત રહયા છે, એ પહેલાંથી ટ્રમ્પના ટૅરિફના તિકડમથી ભારત સહિત મોટાભાગના દેશો પરેશાન અને અધ્ધરતાલ હતા. આપણું શેરબજાર સતત ઘટાડા તરફી રહ્યું. 

 

ઈકોનોમીની ગતિ મંદ પડી. નિકાસ સામે પડકાર વધ્યા. રૂપિયાની ડૉલર સામે દશા બેઠી. વિવિધ લોકલ અને ગ્લોબલ કારણોસર ફોરેન ઈન્વેસ્ટર્સ સતત નેટ સેલર્સ બનતા રહ્યા. પરિણામે ગયા પાંચ મહિનાથી નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો જ નોંધાતો રહ્યો. ત્યાં સુધી કે રોકાણકારોની પસંદગીમાં ટોચ પર આવતા એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)માં પણ પ્રવાહ ઘટવા લાગ્યો.

 

તક તો હજી પણ છે...

 

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પ્રવાહના ઘટાડાને ઈન્વેસ્ટર્સની ફીઅર સાઇકોલોજી માની શકાય. ગ્લોબલ અનિશ્ર્ચિંતતાના આ સમયમાં શેરબજારની કથળેલી સ્થિતિ સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને અસર થવાની શકયતા હતી.

 

એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા મુજબ મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડસમાં ઈક્વિટી સ્કિમ્સમાં રોકાણનું પ્રમાણ 40 ટકા જેટલું ઘટયું, જે છેલ્લા 12 મહિનામાં સૌથી ઓછું હતું. અર્થાત્ મે મહિનામાં ફંડ ઉદ્યોગને ઈક્વિટી સ્કિમ્સમાં 22900 કરોડનો રોકાણ પ્રવાહ પ્રાપ્ત થયો, જે એપ્રિલમાં 38400 કરોડ આવ્યો હતો. મે 2023 બાદનો આ સૌથી મોટો ઘટાડો હતો. 

 

હકીકતમાં આવા સમયમાં એસઆઈપી ધારકો યુનિટસની સંખ્યા મારફત વધુ લાભ પામી શકવાના હોય છે, પરંતુ તે પ્લાન બંધ કરીને સંભવિત લાભ ગુમાવે છે.

 

આશાનો વરસાદ

 

જોકે હાલ બદલાયેલા ગ્લોબલ સંજોગોમાં માર્કેટના ઘટાડાનો ટ્રેન્ડ પણ બદલાય એવી આશા જાગી હોવાના સંકેત બજારની રિકવરીમાં દેખાય છે. રોકાણકારોએ હજી પણ આ નીચા બજારનો લાભ લેવા લાંબાગાળાના રોકાણની તક તો છે જ. યુએસ-ઈરાન યુદ્ધ અંત તરફ જવાનો આરંભ થયો છે. જોકે અમેરિકાના અડપલા અને અભિગમ હજી પણ સંજોગોને અધ્ધર રાખી રહ્યા હોવાથી બજારને-લોકોને વિશ્વાસ બેસતો નથી, જેને લીધે માર્કેટની ટ્રેન સ્પીડ પકડવામાં સમય લેશે. 

 

દરમ્યાન ભારત સરકારે આર્થિક સુધારા પર જોર આપવું પડશે અને મૂડીબજારને વધુ તંદુરસ્ત તથા મજબૂત બનાવવા પર પણ ધ્યાન આપવું જોઈશે. બાય ધ વે, સરકાર અને રિઝર્વ બેંક આ દિશામાં સક્રિય થયા છે. આવા માહોલ વચ્ચે વરસાદની કૃપા વરસવી પણ જરૂરી છે.