Mon Sep 14 2026

Logo

અમદાવાદ એરક્રેશના મૃતકના સંબંધીનો પાયલટની બૉડી સિટિંગ પોઝિશનમાં જોઈ હોવાનો દાવો

2026-05-21 12:20:00
Author: Pooja Shah
અમદાવાદ એરક્રેશના મૃતકના સંબંધીનો પાયલટની બૉડી સિટિંગ પોઝિશનમાં જોઈ હોવાનો દાવો

અમદાવાદઃ ગયા વર્ષે જૂનમાં થયેલા એઆઈ-171 ક્રેશમાં પરિવારના ત્રણ સભ્યો ગુમાવનાર એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે અમદાવાદના શબઘરમાં ફ્લાઇટના કેપ્ટનનો મૃતદેહ સિટિંગ પોઝિશનમાં જોયો હતો અને તેમના હાથ હજુ પણ વિમાનની કન્ટ્રોલ સિસ્ટમ પર હોય તેમ જણાતું હતું.
 
ગુજરાતના ખેડા જિલ્લાના રહેવાસી રોમિન વોહરાના દાવાઓ, ક્રેશ તરફ દોરી જતા સંજોગો અને ફ્લાઇટની અંતિમ ક્ષણો દરમિયાન કોકપીટમાં લેવામાં આવેલા પગલાં અંગે સતત ચર્ચાઓ વચ્ચે પ્રકાશમાં આવ્યા છે. ક્રેશના 100 પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા અમેરિકી કાયદા પેઢીના એક અધિકારીએ જણાવ્યું હતું કે એકને દોષી ઠેરવતા પહેલા સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા આ ઘટનાની તપાસ થવી જોઈએ.

 અમદાવાદથી લંડન જતી ક્રેશ થયેલી ફ્લાઈટ પાયલટ ઈન કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલ અને કૉ-પાયલટ કેપ્ટન ક્લિવ કુંદર દ્વારા ઑપરેટ કરવામાં આવતી હતી. 
ઘણા મૃતકોના મૃતદેહ  ઓળખ અને ડીએનએ મેચિંગ માટે અસારવા વિસ્તારમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યા હતા. 
આ દુર્ઘટનામાં પોતાના ભાઈ, ભત્રીજી અને કાકીને ગુમાવનારા રોમિન વોહરાએ દાવો કર્યો હતો કે તેઓ 13 જૂને પોતાના પરિવારના સભ્યોના મૃતદેહો શોધવા માટે શબઘરમાં ગયા હતા અને ત્યાં તેમણે કેપ્ટન સભરવાલનો મૃતદેહ જોયો હતો. વોહરા લેબ ટેકનિશિયન છે અને પોતે મેડિકલ ફિલ્ડમાં હોવાથી અને અમુક લોકોને ઓળખતો હોવાથી તેને અંદર જવા દીધો હતો.      
વોહરાએ કહ્યું કે કેપ્ટન સભરવાલના મૃતદેહને ટેબલની એક બાજુએ બીજા લોકોથી અલગ રાખવામાં આવ્યો હતો. તે સમયે, શરીર કડક હતું અને સિટિંગ પોઝિશનમાં હતું,  જાણે કે તે હજુ પણ તેની સીટ પર હોય, તેવો દાવો તેમણે કર્યો હતો.
 
તેમના હાથ સ્ટીયરિંગ (કંટ્રોલ યોક અથવા કોલમ) પકડી રાખ્યું હોય તેમ હતા. તેમના પગ બેઠેલા વ્યક્તિના પગ જે રીતે વળેલા રહે છે તે રીતે વળેલા હતા, જ્યારે તેમના હાથ આગળ ખેંચાયેલા હતા," વોહરાએ ઉમેર્યું. આ સાથે સ્ટિયરિંગ તેના હાથમાં હોવાનું તેણે જણાવ્યું હતું.
 
વોહરાએ વધુમાં દાવો કર્યો હતો કે કેપ્ટન હજુ પણ તેમનો યુનિફોર્મ પહેરેલો હતો, જેનાથી તેમને મૃતદેહ ઓળખવામાં મદદ મળી હતી. કેપ્ટનો ચહેરો પછીથી ધ્યાનમાં આવતા તે સભરવાલ જ હતા તેવો દાવો વોહરાએ કર્યો હતો.