રાજકોટઃ ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે Blinkitના સ્ટોરમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં સ્ટોરેજમાં મોટા પ્રમાણમાં વાસી, સડેલા અને અખાદ્ય શાકભાજી-ફળનો જથ્થો મળી આવ્યો હતો.
કોલ્ડ સ્ટોરેજમાં બિનઆરોગ્યપ્રદ હાલતમાં શાકભાજી અને ફળોનો સંગ્રહ
તપાસ દરમિયાન સ્ટોરના કોલ્ડ સ્ટોરેજમાં બિનઆરોગ્યપ્રદ હાલતમાં શાકભાજી અને ફળોનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં મળી આવેલા જથ્થાની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેનો માનવ વપરાશ માટે ઉપયોગ થઈ શકે તેમ ન હતો.
596 કિલો અખાદ્ય શાકભાજી અને ફળનો સ્થળ પર જ નાશ
ફૂડ વિભાગની ટીમે કાર્યવાહી કરતાં કુલ 596 કિલો અખાદ્ય શાકભાજી અને ફળનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને અખાદ્ય ખાદ્યસામગ્રી બજારમાં ન પહોંચે તે માટે આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
₹10,000નો દંડ ફટકાર્યો
આ ઉપરાંત સ્ટોરમાં સ્વચ્છતા સહિતના નિયમોના ઉલ્લંઘન બદલ સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફૂડ વિભાગની આ કાર્યવાહીને પગલે ઓનલાઈન ડિલિવરી દ્વારા ગ્રાહકો સુધી પહોંચતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્ટોરેજ વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠ્યા છે. ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આવા સ્ટોરમાં નિયમિત ચેકિંગ જરૂરી બન્યું છે.