મહેસાણાઃ ઉત્તર ગુજરાતની કડી નાગરિક સહકારી બેંક લિમિટેડને ગેરરીતી બદલ રિઝર્વ બેંકે લાખોનો દંડ ફટકાર્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, આ બેંક પર રૂપિયા 16.30 લાખનો દંડ લગાવવામાં આવ્યો હતો.
RBIના જણાવ્યા પ્રમાણે, બેંકે કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશોનું પાલન કર્યું નથી. બેંક દ્વારા અર્બન કો ઓપરેટિવ બેંક્સ માટે નક્કી કરાયેલા એક્સપોઝર નોર્મ્સ તથા અન્ય નિયંત્રણો તેમજ એડવાન્સ મેનેજમેન્ટ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ દંડાત્મક કાર્યવાહી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કરવામાં આવી છે.
RBI દ્વારા 31 માર્ચ, 2025ના રોજ બેંકની નાણાંકીય સ્થિતિના સંદર્ભમાં તેનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના તારણોમાં રિઝર્વ બેંકના નિર્દેશોના પાલનમાં ગંભીર ખામીઓ સામે આવી હતી. આ ખામીઓને પગલે, રિઝર્વ બેંકે શ્રી કડી નાગરિક સહકારી બેંકને કારણ દર્શક નોટિસ આપી. આ નોટિસમાં બેંકને નિયમોનું પાલન ન કરવા બદલ તેમના પર દંડ શા માટે ન લાદવો જોઈએ તેમ પૂછ્યું હતું.
નોટિસ મળ્યા બાદ બેંક દ્વારા લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. બેંકના જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, રિઝર્વ બેંક એવા તારણ પર પહોંચી હતી કે બેંક પર લાગેલા આરોપો સાબિત થાય છે અને દંડ લાદવો યોગ્ય છે.
રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે, આ કાર્યવાહી માત્ર રેગ્યુલેટરી કમ્પ્લાયન્સમાં રહેલી ખામીઓ પર આધારિત છે. આ દંડનો હેતુ બેંક દ્વારા તેના કોઈપણ ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર કે કરારની માન્યતા પર પ્રશ્ન ઉઠાવવાનો કે તેને રદબાતલ ઠેરવવાનો નથી. વધુમાં, આ નાણાકીય દંડ લાદવાની કાર્યવાહી ભવિષ્યમાં RBI દ્વારા બેંક સામે શરૂ કરવામાં આવી શકે તેવી અન્ય કોઈપણ કાર્યવાહીને પૂર્વગ્રહ રાખ્યા વિના કરવામાં આવી છે.