Tue Mar 10 2026

Logo

કચ્છી ચોવકઃ મિત્રો ગુણિયલ રાખવાનો સંદેશ...

5 days ago
Author: Mumbai Samachar Team
Article Image

કિશોર વ્યાસ

ઘણાને કાચી કેરી બહુ ભાવતી હોય છે. પણ ચોવક કહે છે કે : કાચી કેરીની જે ખટાસ હોય છે તે બહુ નુકસાનકારક હોય છે. ‘ઝુકો કરે કેરી સે ન કરે વેરી’ કેરીની ખટાસ કોઇ ‘વેરી’ કે દુશ્મનથી પણ વધારે ખતરનાક હોય છે.‘ખટાસ’ આમ પણ સમાજમાં બદનામ છે.સમાજમાં જે ‘ખટરસીયા’ માણસો રહે છે, એ સમાજ માટે ‘વેરી’ સમાન હોય છે, આમ એક ચોવક કેટકેટલા વ્યાપક અર્થ સમાવે છે?

ગુજરાતીમાં એક પ્રચલિત ચોવક છે, જેનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોઇએ છીએં. ‘ધીરજનાં ફળ મીઠાં’ કહેવત હોય કે ચોવક એ વિવિધલક્ષી હેતુ સાથે જ રચાઇ હોય છે. બીજી પણ એવી કહેવત છે : ઉતાવળે આંબા ન પાકે ! કચ્છીમાં પહેલી કહેવત ચોવકના સ્વરૂપે આ રીતે કહેવાતી હોય છે: ‘જેંણા જા ફળ મીઠા’  ‘જેંણા’ એટલે ધીરજ  અને બીજી કહેવતના અર્થમાં આ રહી ચોવક : ‘જેંણા સેં જાડ, તકડ મેં આમાં ન પચે’, ‘જાડ’ એટલે વૃક્ષ, ‘આયાં’ એટલે કેરી કે આંબા, ‘ન પચેં’નો અર્થ થાય છે ‘ન પાકે’! કોઇ પણ કામ ઉતાવળથી કદાચ પૂરું થતું હશે, પણ તેની ગુણવત્તા ગુમાવવી પડતી હશે. 

જો ધીરજ રાખીને, યોગ્ય સમય જોઇને કામ પૂરું કર્યું હોય તો એ જરૂર ગુણવત્તાસભર બની રહે. કોઇ પ્રકારની જબરદસ્તીથી કામ ન થાય. વળી આવી ઉતાવળ કે જોરજબરદસ્તી ન કરવા માટે પણ એક ચોવક છે :  ‘જોર જો સાટો નાંય’ અથવા તો આ ચોવક એ અર્થમાં પણ પ્રયોજી શકાય કે, ‘તમે મારું આ કામ કરી આપો, એવો મારો દુરાગ્રહ નથી, તમારાથી થાય તો જરૂર કરજો, મારું કોઇ દબાણ નથી.

અંગ્રેજીમાં એક કહેવત છે કે "A person known by friends ho keeps and books he yeads'વ્યક્તિના  વ્યક્તિત્વનું મૂલ્યાંકન એ કેવાં પુસ્તકો વાંચે છે અને તેના મિત્રો કેવા છે, તેના પરથી થતું હોય છે. કારણ કે વ્યક્તિનાં ચારિત્ર્ય પર ‘જેવી સોબત તેવી અસર’ થતી હોય છે. એ જ વાત ચોવક આ રીતે આવરે છે : ‘ધાગી આમ સૂંઢો ફિટાય’ એક સૂંડલામાં આંબા મૂકયા હોય અને તેમાંના એકમાં ‘દાગ’ કે ‘ચાંદી’ પડી હોય તો તે સૂંડલામાં રાખેલા બધા જ આંબાને બગાડે છે! ‘ધાગી’ એટલે ‘દાગવાળો’ કે ‘ચાંદી પડેલો’. ‘સૂંઢા’ના અર્થ થાય છે ‘સૂંડલો’ અને ‘ફિટાય’ એટલે બગાડે ! બસ, એવું જ  સોબતનું છે! ખરાબ સોબત ‘સૂંઢો ફિટાય’ એટલે કે જીવન બગાડી નાખે! મિત્રો ગુણિયલ રાખવાનો સંદેશ ચોવક આપે છે. 

જો મિત્રો સારા હશે તો, કયારેય દિલમાં સ્વાર્થ પેદા નહીં થાય. અર્પણની  ભાવના હૃદયમાં રમતી રહે. નિયત શુદ્ધ રહે જેની નિયત શુદ્ધ રહે તે કયારેય દુ:ખી થતા નથી લો, આ ચોવક કંઇક એવું જ કહે છે :  ‘નીથ સુધ, તેંલા માંની ગુંધ’ અહીં ‘નીથ’નો અર્થ છે નિયત. ‘સુધ’ એટલે ‘શુદ્ધ’, ‘માની’ એટલે ‘રોટલો’, અને ‘ગુંધ’ એટલે ‘ઘણું’! જેની નિયત શુદ્ધ હોય તેને ખાવાના સાંસા ન પડે !

એક ચોવક છે : ‘પિંઢ જે અટે મેં આટાર’ મતલબ કે ‘પોતાના લોટમાં જ કાંકરા’ ‘ખાટલે જ મોટી ખોડ.’ ‘પિંઢ જે’ એટલે પોતાના, ‘અટે મેં’ એટલે ‘લોટમાં’ ‘આટાર’નો અર્થ થાય છે, રેતી કે કાંકરા, ચોવકનો ભાવાર્થ થાય છે : પોતાનામાં જ ક્ષતિ હોવી!

ઘણા લોકોને આપણે એવું બોલતાં સાંભળતા હોઇએ છીએં કે ‘ભૂખ બોરી ભુછડી.’ અર્થાત ‘ભૂખ બહુ ખરાબ’! ‘ભૂખ’ એટલે ભૂખ. ‘બોરી’નો અર્થ છે. ‘બહુ’ અને ‘ભુછડી’ એટલે ‘ખરાબ’. ચોવકનો વિસ્તૃત અર્થ છે.  ભૂખ સહન ન થવી, ભૂખ કરાવે ભૂલ... ભૂખ વેઠ કરાવે.  વગેરે વગેરે... વળી તેને શ્ર્લેષાર્થમાં પણ સમજવા જેવી છે. પેટની ભૂખ અને શરીરની ભૂખ. પેટની ભૂખ લાચારી દર્શાવે છે જયારે શરીરની ભૂખ ભાંગવા સમાજમાં સ્ત્રીઓ પર કદૃષ્ટિ કરવી એ અત્યંત ખરાબ બાબત છે એ અર્થમાં તેના માટે ‘ભૂછડી’ જેવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે.