Mon Oct 05 2026

Logo

'ગુજરાતના શિક્ષણ પ્રધાનના નામે...', રવીન્દ્ર જાડેજાએ ટીમને મેચ જીતાડી પત્ની રીવાબાને આપી ખાસ ભેટ, સ્ટેટમેન્ટ થયું વાઈરલ...

2026-04-23 14:00:00
Author: Darshana Visaria
'ગુજરાતના શિક્ષણ પ્રધાનના નામે...', રવીન્દ્ર જાડેજાએ ટીમને મેચ જીતાડી પત્ની રીવાબાને આપી ખાસ ભેટ, સ્ટેટમેન્ટ થયું વાઈરલ...

હાલમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ 2026 (IPL 2026) ચાલી રહ્યો છે અને દરરોજ ક્રિકેટરસિયાઓનો રોમાંચ બમણો થતો જઈ રહ્યો છે. ગઈકાલે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટસની મેચમાં રાજસ્થાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવી છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જિતનારા આપણા બાપુ એટલે કે રવિન્દ્ર સિંહ જાડેજાની. બાપુએ પોતાનો આ મેન ઓફ ધ મેચ એવોર્ડ ગુજરાતનાં શિક્ષણ પ્રધાન અને પોતાનાં પત્ની રીવાબા જાડેજાને સમર્પિત કરીને સૌના દિલ જીતી લીધા છે. ચાલો જોઈએ બીજું કહ્યું છે રવિન્દ્ર જાડેજાએ...

ગઈકાલે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાને શાનદાર જિત હાંસિલ કરી હતી. રાજસ્થાને લખનઉને 40 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને કબજો જમાવી લીધો છે. જોકે, એ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય કે રાજસ્થાનની આ જિતના હીરો ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા  હતા.

રવિન્દ્ર જાડેજાના શાનદાર પર્ફોર્મન્સ માટે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ આઈપીએલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ જાડેજાએ આ એવોર્ડ તેમના પત્ની અને ગુજરાતનાં શિક્ષણ ખાતાના પ્રધાન રીવાબા જાડેજાને સમર્પિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હું આ એવોર્ડ મારી પત્ની (ગુજરાતના શિક્ષણ પ્રધાન) રીવાબા જાડેજાને સમર્પિત કરું છું. તેમણે ગઈકાલે જ કહ્યું હતું કે હું સારું કરીશ અને મેં કરી બતાવ્યું. 

વાત કરીએ રવિન્દ્ર જાડેજાના પર્ફોર્મન્સની તો જ્યારે રાજસ્થાનની ટીમ 77 રનમાં પાંચ વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહી હતી, ત્યારે જાડેજાએ 43 રનની અણનમ ઈનિંગ રમીને સ્કોર 159 સુધી પહોંચાડીને ટીમની જિતનો પાયો નાખ્યો હતો. આ સિવાય જાડેજાએ લખનઉની ખતરનાક જોડી તોડી અને નિકોલસ પૂરનને 22 રનમાં જ આઉટ કરીને મેચને જોરદાર વળાંક આપ્યો હતો. લખનઉની ટીમ 119 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 7માંથી 5 મેચ જીતી છે અને તે હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જ્યારે લખનઉની ટીમ 7માંથી માત્ર 2 મેચ જીતી શકી છે અને તે 9મા સ્થાને ફેંકાઈ ગઈ છે.