ભુજઃ કચ્છના સીમાવર્તી રાપરના કિડિયાનગર ખાતેના રેલવે મથક પરિસરમાં મોટરસાઇકલ પર સ્ટંટ કરતા અટકાવવા બાબતે ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ આતંક મચાવી રેલવે કચેરીમાં તોડફોડ કરી હતી અને ફરજ પરના પોઈન્ટ્સમેન પર પથ્થર તથા લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે રેલવે પોલીસે 15 થી 20 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કિડિયાનગર રેલવે મથકે પોઈન્ટ્સમેન તરીકે ફરજ બજાવતા અશોક નૈનારામ પરિહાર પ્લેટફોર્મ પર હાજર હતા ત્યારે બે શખ્સો મોટરસાઇકલ પર સ્ટંટ કરી રહ્યા હતા.
પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
ફરિયાદીએ તેમને અટકાવી મોબાઈલમાંથી વીડિયો ડિલિટ કરાવી દીધો હતો અને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. આ બાબતનું મનદુઃખ રાખીને થોડીવારમાં 15 થી 20 લોકોનું ઉત્તેજિત ટોળું રેલવે મથકે ધસી આવ્યું હતું. હુમલાખોરોએ રેલવે મથકની ઓફિસમાં વ્યાપક તોડફોડ કરી હતી તેમજ ફરિયાદી અશોકને પકડીને તેમના પર પથ્થરો અને લાકડીઓથી આડેધડ હુમલો કર્યો હતો. અગાઉ ગેટમેન પ્રીતમ સાથે થયેલી બોલાચાલીની અદાવત તેમજ મોટરસાઇકલ સ્ટન્ટનો વીડિયો ડિલિટ કરાવ્યાની રીસ રાખીને આ હુમલો કરાયો હોવાનું જણાવાયું છે. પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આ હુમલાખોર ટોળામાં દિનેશ કાનજી કોળી, મુકેશ ડી. કોળી, દિનેશના કાકાનો દીકરો તેમજ GJ-30-k-6705, GJ-29-A-2173 અને GJ12-EM-2657 નંબરની મોટરસાઈકલ પર આવેલા શખ્સો સામેલ હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા કવાયત આદરી છે.
(ઉત્સવ વૈદ્ય)