Tue Sep 08 2026

Logo

ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો યથાવત: જખૌના ખિદરત ટાપુ પરથી ચરસના ૧૦ બિનવારસુ પેકેટ ઝડપાયા

2026-04-30 13:43:00
Author: Mumbai samachar Team
ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો યથાવત: જખૌના ખિદરત ટાપુ પરથી ચરસના ૧૦ બિનવારસુ પેકેટ ઝડપાયા

AI Image


ભુજ: પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય જળસીમા ધરાવતા કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર બિનવારસુ માદક પદાર્થો મળવાનો સિલસિલો શરૂ થયો છે. અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ૧૦ બિનવારસુ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જખૌ મરીન પોલીસની ટુકડી દુર્ગમ ખિદરત ટાપુ નજીક દરિયાઈ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ટાપુના કાંઠે તણાઈ આવેલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તપાસ કરતા આ પેકેટો ચરસના હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તમામ ૧૦ પેકેટ કબજે કરી જખૌ મરીન પોલીસ મથકે જમા કરાવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ, પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે દરિયો રફ બનતાં આ માદક પદાર્થનો જથ્થો કિનારા તરફ તણાઈ આવ્યો હોવાનું મનાય છે.

નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી કચ્છના સાગરકાંઠેથી કરોડોની કિંમતના ચરસ અને હેરોઈનના પેકેટ મળી આવવાની ઘટનાઓ નિયમિત બની ગઈ છે. ભૂતકાળમાં વિવિધ સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સની સાથે વણફૂટેલા વિસ્ફોટકો પણ મળી આવ્યા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.

હજુ પણ દરિયામાં વધુ જથ્થો હોવાની સંભાવનાને પગલે સલામતી દળો દ્વારા કચ્છના ક્રીક અને સીમાવર્તી વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ જથ્થો કે કોઈ મોટું 'સીઝર' મળી આવવાની પૂરેપૂરી શક્યતાઓને જોતા તમામ એજન્સીઓને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવી છે. 

(ઉત્સવ વૈદ્ય )