મુંબઈ: બોલીવુડના અભિનેતા રણવીર સિંહે તાજેતરમાં જ મુંબઈના પ્રખ્યાત લાલ બાગ ચા રાજામાં ભગવાન શ્રીગણેશના આશીર્વાદ લીધા હતા અને તેને ગણેશ ચતુર્થીની આ ભવ્ય ઉજવણીમાં સામેલ થયો હતો. રણવીર અને તેનો પરિવાર આજકાલ ચર્ચામાં રહે છે, કારણ કે તેની પત્ની દીપિકા પાદુકોણ આ મહિનામાં પોતાના બીજા બાળકને જન્મ આપશે. ત્યારે રણવીર સિંહે જાહેરાત કરી છે કે તે 'સેવા સંકલ્પ અભિયાન' દ્વારા 1,000 દીકરીઓના અભ્યાસનું બીડું ઉપાડશે.
રણવીર સિંહ 'સેવા સંકલ્પ અભિયાન'માં જોડાયો
એક પત્રકાર સાથેની વાતચીત દરમિયાન રણવીર સિંહે તેની ખુશી વ્યક્ત કરી હતી. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના શુભ અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' દ્વારા 1,000 દીકરીના અભ્યાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. રણવીરે લાલબાગના રાજાના દર્શન કરી અને પ્રાર્થના સાથે પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની આ સફરને બાપ્પા પ્રત્યે આભાર વ્યક્ત કરવા અને આગળના સફર માટે ઈશ્વરીય માર્ગદર્શન મેળવવાની એક તક ગણી હતી.
રણવીરે કહ્યું હતું કે 'અહીંયા આવીને અત્યંત સારું લાગી રહ્યું છે. બાપ્પાની કૃપાથી, વીતેલું વર્ષ મારા અને મારા પરિવાર માટે આનંદમય રહ્યું છે. એટલે હું અહીંયા દર્શન કરવા અને આભાર વ્યક્ત કરવા માટે તેમજ આગળની સફર માટે બાપ્પાનો આશીર્વાદ લેવા માટે આવ્યો છું.'
1,000 છોકરીઓના અભ્યાસની જવાબદારી
રણવીરે આગળ કહ્યું હતું કે 'ગણેશચતુર્થી અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના શુભ અવસરે હું સેવા સંકલ્પ અભિયાનથી જોડાઇને 1,000 દીકરીના અભ્યાસમાં સહાય કરવાનો સંકલ્પ લઉ છું. મને આશા છે કે આનાથી બાપ્પા પ્રસન્ન થશે અને તેમનો આશીર્વાદ હંમેશાં અમારા પર રહેશે.'
રણવીર સિંહ મોટા પડદે લાવશે પ્રલય
'ધુરંધર'ની ભવ્ય સફળતા બાદ રણવીર સિંહ પોતાના આવનારા પ્રોજેક્ટ ઝોમ્બી થ્રિલર 'પ્રલય'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જય મહેતાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં કલ્યાણી પ્રિયદર્શન પણ જોવા મળશે, જે આ પ્રોજેક્ટ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરશે. 'ધુરંધર' ફિલ્મ બાદ રણવીરની આ પ્રથમ રિલીઝ હોવાના લીધે આ ફિલ્મે પહેલા જ ચાહકો વચ્ચે આતુરતા ઊભી કરી છે.