Sun Jun 21 2026

Logo

રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીના 140 પાનાના રિપોર્ટમાં સંપૂર્ણ વિગતો

2026-06-21 19:57:13
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: અયોધ્યાના શ્રી રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ મહદઅંશે તપાસ પૂર્ણ કરી છે. તેમજ એસઆઇટીની ટીમ અયોધ્યાથી લખનઉ માટે રવાના થઇ છે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઇટીએ 140 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી

આ અંગે મળતી માહિતી મુજબ  રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી છે. જેમાં બેંક કર્મચારી અને ટ્રસ્ટ જોડે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં છે. તેમજ 2000 કલાકના સીસીટીવીની તપાસ કરવામાં આવી અને ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે.  આ ઉપરાંત  140 પાનાનો તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આ મામલાને લગતા વિવિધ તથ્યો અને પુરાવાઓની વિગતો આપવામાં આવી છે.

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવની  ત્રણ કલાક પૂછપરછ કરાઇ 

સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવી હતી.  જેમાં બંધ બારણે લગભગ ત્રણ કલાક ચાલેલી પૂછપરછની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. તેમજ રિપોર્ટના આધારે અનેક વ્યક્તિઓ સામે કાર્યવાહી થઈ શકે છે. જો દાનપેટી અંગે બેદરકારી કે અનિયમિતતા સાબિત થશે તો કેટલાક સેવકોની સેવાઓ રદ કરવામાં આવી શકે છે.

ટિનુ યાદવની સંડોવણી પ્રકાશમાં આવી

આ ઉપરાંત  રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં પુરાવા પણ મળ્યા છે. જેમાં ટ્રસ્ટનો ગણતરી સ્ટાફ અને બેંક કર્મચારીઓ સહિત ટિનુ યાદવની સંડોવણી પ્રકાશમાં આવી છે. તેથી ટૂંક  સમયમાં તેમની સામે એફઆઇઆર  નોંધાય તેવી શક્યતા છે. એસઆઇટી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ટ્રસ્ટના પદાધિકારી અનિલ મિશ્રા અને બાંધકામ સહાયક ગોપાલ રાવની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ઘણા સાક્ષીઓ સામે આવ્યા છે. તેમજ  બંને સામે નક્કર પુરાવા મેળવવામાં આવ્યા છે.