મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ હાલ ચેક બાઉન્સના વર્ષો જૂના કેસમાં કાયદાકીય ભીંસમાં છે. દિલ્હી હાઈકોર્ટે તેમની વચગાળાના જામીન અરજી પર સુનાવણી કરતા અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે અભિનેતાના વકીલને આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવા માટે સમય આપ્યો છે. જો નિયત સમયમાં આ રકમ જમા થશે તો જ તેમને જેલમાંથી મુક્તિ મળશે, અન્યથા આ મામલે આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. રાજપાલ યાદવે પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે કોર્ટ પાસે જામીનની માંગ કરી છે.
સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અભિનેતાને દેવું ચૂકવવા માટે ૨૫ થી ૩૦ વખત તક આપવામાં આવી હતી, તેમ છતાં તેમણે રકમ ચૂકવી નથી. કોર્ટે કહ્યું કે, "તમે તમારી હરકતોને કારણે જેલમાં છો, કોર્ટના આદેશને કારણે નહીં." રાજપાલ યાદવે પોતાની સજા રદ કરવાની માંગ કરી હતી, જેનો કોર્ટે અસ્વીકાર કર્યો હતો. અભિનેતાના વકીલના જણાવ્યા મુજબ, 9 કરોડના કુલ દેવા પૈકી 3 કરોડથી વધુ રકમ ચૂકવી દેવામાં આવી છે અને હજુ 2.10 કરોડ રૂપિયા જમા કરાવવાના બાકી છે.
કઈ રીતે શરૂ થયો આ વિવાદ?
આ વિવાદની શરૂઆત વર્ષ 2010-12 દરમિયાન થઈ હતી, જ્યારે રાજપાલ યાદવે પોતાના ડિરેક્શનમાં ફિલ્મ 'અતા પતા લાપતા' બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કમનસીબે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી અને રાજપાલ યાદવ આ દેવું ચૂકવી શક્યા નહીં. વ્યાજ સાથે આ રકમ વધીને 9 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2018 માં તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ હતી અને આ કેસમાં તેઓ અગાઉ બે વખત જેલની સજા પણ કાપી ચૂક્યા છે.
મુશ્કેલીના આ સમયમાં રાજપાલ યાદવને બોલીવુડ અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓનો સાથ મળી રહ્યો છે. સલમાન ખાન, અજય દેવગણ, સોનુ સૂદ અને વરુણ ધવન જેવા કલાકારોએ તેમને આર્થિક મદદ પૂરી પાડી છે. આ ઉપરાંત મિકા સિંહ, ગુરુ રંધાવા અને રાજકીય નેતા તેજ પ્રતાપ યાદવે પણ સહાયનો હાથ લંબાવ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ પણ ઉદ્યોગના લોકોને રાજપાલની મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. આ કપરા સમયમાં ઇન્ડસ્ટ્રી તરફથી મળી રહેલા સમર્થન બદલ રાજપાલ યાદવની પત્નીએ સૌનો આભાર માન્યો છે.