Sat May 02 2026

Logo

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ DCPનો કેસ કેન્દ્ર સુધી પહોંચ્યો, NHRCએ DGP ને ફટકારી નોટિસ

2026-04-08 21:41:05
Author: Vimal Prajapati
Article Image

રાજકોટઃ રાજકોટમાં કથિત પત્રકાર સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ મારપીટ કરી હતી. તેમાં ફરિયાદીએ ફરિયાદ પાછી પણ ખેંચી લીધી હતી. હવે તે કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, NHRC, ભારત દ્વારા ગુજરાતમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા એક પત્રકારની કથિત ગેરકાયદેસર અટકાયત અને ત્રાસ અંગે સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ કેસમાં રાજ્યના DGP ને નોટિસ ફટકારી છે અને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે.  

આ કેસમાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનનું શું કહેવું છે?

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC), ભારત દ્વારા એક મીડિયા અહેવાલનું સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવ્યું છે કે 22 માર્ચ, 2026 ના રોજ, ગુજરાતમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા એક પત્રકારની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. પત્રકારને નિર્વસ્ત્ર કરી, ઊંધા લટકાવીને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો જેના પરિણામે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અહેવાલ અનુસાર, પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફને પીડિતને દાખલ ન કરવા માટે ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને એવી ધમકી પણ આપવામાં આવી હતી કે તેની સામે ખોટા ફોજદારી કેસ નોંધવામાં આવશે અને તેનું ઘર તોડી પાડવામાં આવશે.

માનવ અધિકારોનું ઉલ્લંઘન થયાના આશંકાએ નોટિસ
 
કમિશને તેની પણ નોંધ લીઘી છે કે, જો મીડિયા અહેવાલની વિગતો સાચી હોય, તો તે પીડિતના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉભો કરે છે. તેથી, તેણે પોલીસ મહાનિદેશક (DGP), ગુજરાતને નોટિસ પાઠવી છે અને તપાસની વર્તમાન સ્થિતિ અને પીડિતના સ્વાસ્થ્ય સહિત આ બાબતે બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે NHRC દ્વારા અહેવાલ માંગવામાં આવ્યો તેમાં પીડિતના સ્વાસ્થ્યની સ્થિતિ અને તપાસની વિગતો સામેલ કરવાની રહેશે.