રાજકોટઃ શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શરૂ થયેલા વરસાદની અસર હવે અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પોપટપરા નાળું પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા જાતે જ પોપટપરા નાળાની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ સ્થળ પર પાણીની સ્થિતિ, નિકાલની વ્યવસ્થા અને તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
કોર્પોરેશનની ટીમો પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જ્યાં પાણી ભરાવાની ફરિયાદો મળી રહી છે ત્યાં તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી.
રાજકોટમાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ રાતભર જમાવટ બોલાવી હતી. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે સવારથી જ રાજકોટ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.