રાજકોટ: ગુજરાતના વકીલો તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રાજકોટના ‘યુવા લોયર્સ એસોસિએશન’ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કાયદા પ્રધાન કૌશિક વેકરિયાને લેખિતમાં વિગતવાર રજૂઆત મોકલવામાં આવી છે. ઘણા સમયથી અટકેલી આ વહીવટી પ્રક્રિયાને તાત્કાલિક વેગ આપવા માટે એસોસિએશનના કન્વીનર હેમાંશુ પારેખ તેમજ પ્રમુખ કિરીટ નકુમ દ્વારા નવા ઈ-સ્ટેમ્પ લાયસન્સ આપવા અને પેન્ડિંગ નોટરીઓની નિમણૂંક કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી-2021માં ગુજરાત રાજ્યના કાયદા વિભાગના નોટરી સેલ દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા અને તાલુકા મથકોએ આશરે 1500 જેટલા નોટરીઓની નિમણૂંક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ગાંધીનગર સચિવાલય ખાતે ઇન્ટરવ્યુ યોજાયા બાદ 1518 નોટરીઓને નિમણૂંક પણ આપી દેવામાં આવી હતી. જોકે, અમુક ટેકનિકલ કારણોસર હજુ પણ આશરે 142 જેટલા લાયક વકીલ મિત્રોની નિમણૂંક પ્રક્રિયા અધ્ધરતાલ રહી ગઈ છે, જેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવી અનિવાર્ય છે.
બીજી તરફ, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી છેલ્લા બે વર્ષમાં આશરે 9601 જેટલા નોટરીઓને નોટરી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે, પરંતુ નવા ઈ-સ્ટેમ્પ લાયસન્સ આપવાની પ્રક્રિયા લાંબા સમયથી બંધ હોવાનું એસોસિએશને જણાવ્યું હતું.
રોજબરોજના દસ્તાવેજી કામો માટે ઈ-સ્ટેમ્પ પેપરની ભારે જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ બજારમાં પૂરતા પ્રમાણમાં સ્ટેમ્પ વેન્ડરો ઉપલબ્ધ ન હોવાને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જનતાની આ હાડમારી દૂર કરવા અને વકીલોને રોજગારીની તક પૂરી પાડવા માટે નોટરીઓને તાત્કાલિક ધોરણે 'ઈ-સ્ટેમ્પ પેપર લાયસન્સ' આપવાની કાર્યવાહી શરૂ કરવા 'યુવા લોયર્સ એસોસિએશન'ની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી.